હિન્દુ વિસ્તારોમાં લઘુમતી સમાજના લોકોને મકાનો અપાવી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે : લોકોની આંદોલનની ચિમકી
જૂનાગઢ શહેરના હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં મકાનોના વેચાણ અને અન્ય ધર્મના લોકોના પ્રવેશને લઈને ફરી એકવાર વિવાદ ગરમાયો છે. શહેરના સ્વસ્તિક નગર અને નંદનવન રોડ વિસ્તારના સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈને એસ.પી. અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. રહેવાસીઓનો આક્ષેપ છે કે, જાણી જોઈને હિન્દુ વિસ્તારોમાં લઘુમતી સમાજના લોકોને મકાનો અપાવી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મામલે જો વહેલી તકે નિરાકરણ લાવી ‘અશાંત ધારો’ લાગૂ કરવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
સ્વસ્તિક નગર નંદનવન રોડ પર આવેલી એક સોસાયટીમાં ગીતાબેન જીતુભાઈ સોલંકીનું મકાન આવેલું છે. આ મકાન પર તેઓએ પિરામલ હાઉસિંગ ફાયનાન્સમાંથી લોન લીધી હતી પરંતુ, લોન ભરપાઈ ન થઈ શકતા ફાયનાન્સ કંપની દ્વારા મકાનને સીલ કરવામાં આવ્યું હતું. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે, આ ફાયનાન્સ કંપનીના મેનેજર લઘુમતી સમાજમાંથી આવે છે અને તેઓ જાણીજોઈને આ મકાન પોતાના જ સમાજના કોઈ વ્યક્તિને અપાવવા માટે તજવીજ કરી રહ્યા છે. હિન્દુ વિસ્તારમાં આ રીતે મકાન ફાળવીને સ્થિતિ બદલવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ મામલે સ્થાનિક રહીશ કુંદનબેન પુરોહિતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે ક્રિષ્ના પાર્ક અને અનુરાધા સોસાયટીમાં વર્ષોથી રહીએ છીએ. આ સંપૂર્ણ હિન્દુ વિસ્તાર છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં મકાનો ખરીદવા માટે અન્ય ધર્મના લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જે મકાનો લોન પર હોય અને જપ્ત થયા હોય તેને રાતોરાત ખરીદવાની પ્રક્રિયા શરૂૂ કરી દેવાય છે. જો આ સિલસિલો ચાલુ રહેશે તો અમારા વિસ્તારમાં રહેવું મુશ્કેલ બની જશે અને મકાનોની કિંમતો પણ ઘટી જશે. અમારી એક જ માંગ છે કે આ વિસ્તારમાં તાત્કાલિક અસરથી અશાંત ધારો લાગુ કરવામાં આવે.
જૂનાગઢ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ પણ આ ચળવળને ટેકો જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જૂનાગઢમાં અશાંત ધારો લાગુ કરવા માટે છેલ્લા 3 વર્ષથી લડત ચાલી રહી છે. ખાસ કરીને ખામધ્રોળ સોસાયટી અને જોષીપરાના સરહદી વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવો અત્યંત અનિવાર્ય છે. આ અંગે સરકાર અને કલેક્ટરને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. હાલમાં આ માટે એક કમિટીનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે અને વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી શરૂૂ છે. સર્વેનો અહેવાલ આવ્યા બાદ સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે.
