સવારે જામનગર રોડ ઉપર જીવલેણ અકસ્માત, ટ્રક અડફેટે ચડેલું સ્કૂટર બાઈક સાથે ટકરાતા બાઈક સવાર મહિલા ઉછળી ટ્રકના તોતીંગ વ્હીલ નીચે પટકાઈ
રાજકોટમાં ટ્રક ચાલકો બેફામ બન્યા હોય તેમ છાશવારે જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. બે દિવસ પૂર્વે જ માધાપર ચોકડી પાસે ડમ્પર ચાલકે યુવકને કચડી નાખ્યાની ઘટનાની હજુ તપાસ પણ પુરી નથી થઈ ત્યાં વધુ એક ટ્રક ચાલકે જીવલેણ અકસ્માત સજર્યો છે. જેમાં જામનગર રોડ પર રૂડા બિલ્ડીંગ પાસે ટ્રક ચાલકે સ્કુટરને ઠોકરે ચડાવતાં સ્કુટર બાઈક સાથે અથડાયું હતું અને બાઈક સ્વાર મહિલા ઉછળીને ટ્રકના તોતીંગ વ્હીલ નીચે પટકાઈ હતી. ટ્રકના તોતીંગ વ્હીલ મહિલા પર ફરી વળતા પુત્રની નજર સામે જ જનેતાનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે સ્કુટર ચાલક ઈમિટેશનના ધંધાર્થીને ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. અકસ્માત સર્જી ચાલક ટ્રક મુકી નાસી છુટયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં આવેલા ગાયકવાડી શેરી નં.5માં રહેતાં સહેનાઝબેન ઈમ્તીયાઝભાઈ દલ (ઉ.42) પોતાના પુત્ર સમીર ઈમ્તીયાઝભાઈ દલ (ઉ.30)ના બાઈક પાછળ બેસી જામનગર રોડ પર આવેલ રૂડા બિલ્ડીંગ પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે પાછળથી પુરપાટ ઝડપે માતેલા સાંઢની માફક ધસી આવેલા જી.જે.3 બી.વાય.1141 નંબરના ટ્રક ચાલકે આગળ જઈ રહેલા સ્કુટર ચાલક સુમીતભાઈ ગોરધનભાઈ કોઠીયા (ઉ.45)ને હડફેટે લીધા હતાં. સુમીતભાઈ કોઠીયાએ ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં સ્કુટર માતા-પુત્રના બાઈક સાથે અથડાયું હતું. અકસ્માત સર્જાતા સહેનાઝબેન દલ દડાની માફક ફંગોળાઈને રોડ પર પટકાયા હતાં.
તે દરમિયાન ટ્રકના પાછળના જોટામાં આવી જતાં સહેનાઝબેન દલ પર ટ્રકના તોતીંગ વ્હીલ ફરી વળ્યા હતાં.
અકસ્માતના પગલે લોકોના ટોળા અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જીવલેણ અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છુટયો હતો. એકઠા થયેલા લોકોએ તાત્કાલીક 108ને જાણ કરતાં 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. 108ના ઈએમટીએ જોઈ તપાસી સહેનાઝબેન દલને નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં માતમ છવાયો હતો. જ્યારે સ્કુટર ચાલક ઈમિટેશનના ધંધાર્થી સુમિતભાઈ કોઠીયાને બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં મૃતક સહેનાઝબેન દલના પતિ હયાત નથી. સહેનાઝબેનને સંતાનમાં એક પુત્ર સમીર છે. સહેનાઝબેન દલ વિદ્યાનગર મેઈન રોડ પર આવેલી ઓલિમ્પીક હોસ્પિટલમાં ભવાની સિકયોરિટી એજન્સીમાં નોકરી કરતાં હતાં.
સહેનાઝબેન દલને પુત્ર સમીર દલ બાઈકમાં બેસાડી નોકરી પર મુકવા જતો હતો. જ્યારે કુવાડવા રોડ પર શાનદાર રેસીડેન્સીમાં રહેતાં અને આર્યનગરમાં ઈમિટેશનનું કારખાનું ધરાવતાં સુમિતભાઈ કોઠીયા પોતાનું સ્કુટર લઈ રૂડા બિલ્ડીંગ પાસેથી પસાર થઈ રહ્યા હતાં તે દરમિયાન માતેલા સાંઢની માફક ધસી આવેલા ટ્રક ચાલકે સુમિતભાઈ કોઠીયાના સ્કુટરને ઠોકર મારી હતી.
જેથી સ્કુટર બાઈક સાથે અથડાયું હતું. જે અકસ્માતમાં બાઈક સવાર સહેનાઝબેન દલ ઉછળીને ટ્રકના તોતીંગ વ્હીલ નીચે પટકાતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા સ્કુટર ચાલક સુમિતભાઈ કોઠીયા બે ભાઈમાં નાના છે અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
અકસ્માત સર્જી નાસી છુટેલા ટ્રક ચાલકને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતાં.
