પોલીસે મહિલા સહિતની ટોળકીને ઝડપી, રેકી કર્યા બાદ બાળકનું અપહરણ કરાયું હતું
પોરબંદરમાં મોડી સાંજે એક ચોંકાવનારી અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી હતી, જેમાં એક માસૂમ 11 માસના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. જો કે, પોરબંદર પોલીસે ટેક્નિકલ સોર્સ અને ત્વરિત એક્શન પ્લાન દ્વારા માત્ર 4થી 5 કલાકના ટૂંકા ગાળામાં જ ઓપરેશન પાર પાડીને બાળકને હેમખેમ શોધી કાઢ્યો છે અને તેની માતાને સોંપ્યો છે. આ ગુનામાં સામેલ ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ભોગ બનનાર માતા અત્યંત લાચાર પરિસ્થિતિમાં જીવી રહી છે. તેના પતિનું એક મહિના પહેલા જ અવસાન થયું છે. સાસરી પક્ષ કે પિયર પક્ષમાં પણ તેની આગળ-પાછળ કોઈ જ નથી. અપહરણ કરનાર ગેંગની મહિલા સભ્યે બાળકની માતા સાથે વાતચીત કરીને પૂછપરછ કરી હતી અને જાણી લીધું હતું કે આ મહિલા એકલી છે અને જો તેના બાળકનું અપહરણ કરવામાં આવશે, તો પોલીસમાં કોઈ ફોલોઅપ લેવા વાળું નથી. આથી, મોડી સાંજે એક મહિલા અને ત્રણ અજાણ્યા પુરુષો બાળકની માતા પાસેથી માસૂમને આંચકીને નાસી છૂટ્યા હતા. ઘટના બાદ માતાએ આસપાસના લોકો પાસે 10-15 મિનિટ મદદ માંગી, પરંતુ કોઈ વહારે ન આવતા સ્થાનિકોની સલાહથી તે તાત્કાલિક પોલીસ સ્ટેશને પહોંચી હતી.
પોરબંદર DySP ઋતુ રાબાએ જણાવ્યું હતું કે, મોડી સાંજે એક લાચાર માતાએ ફરિયાદ કરી કે કોઈ અજાણ્યા ત્રણ પુરુષો અને એક સ્ત્રી તેમના 11 માસના બાળકને ઝૂંટવીને ભાગી ગયા છે. પોલીસે ગુનાની ગંભીરતા સમજી તુરંત જ જુદી-જુદી ટીમો બનાવી, ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે બસ સ્ટેશન સુધી કડીઓ મેળવી. પોરબંદર , વેરાવળ LCB, કીર્તિમંદિર અને કમલાબાગ PI સહિત સમગ્ર સ્ટાફ અને ST ડેપોના સહયોગથી બસનો પીછો કરી, માત્ર 4 થી 5 કલાકમાં જ માસૂમ બાળકને હેમખેમ બચાવી તેની માતાને સુપરત કરવામાં આવ્યો છે. વિધવાની મજબૂરી અંગે DySP ઋતુ રાબાએ જણાવ્યું હતું કે, આરોપી મહિલાએ બાળકની માતા એકલી હોવાની રેકી કરી લીધી હતી. માતાના પતિનું એક મહિના પહેલા જ અવસાન થયું હતું અને આગળ-પાછળ પિયર કે સાસરી પક્ષનું કોઈ ન હોવાથી, આરોપીઓને લાગ્યું કે આ મહિલા ફરિયાદ કરવા સક્ષમ નથી. આ મજબૂરીનો ફાયદો ઉઠાવી તેઓ બાળક ઝૂંટવી ભાગી ગયા હતા.
પીડિત મહિલાએ શરૂૂઆતમાં આસપાસના લોકો પાસે મદદ માંગી, પણ કોઈ આગળ ન આવ્યું. આખરે યોગ્ય માર્ગદર્શન મળતા તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસે તાત્કાલિક એક્શન લીધા. પોલીસની પ્રાથમિક અને સઘન પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ આ બાળકને ભીખ મંગાવવાના ઇરાદે જ આંચકી ગયા હતા. પોલીસ દ્વારા ઝડપાયેલા ચારેય આરોપીઓ પોરબંદર પોલીસની કસ્ટડીમાં છે.
પકડાયેલા આરોપીઓ
નરસી જીવા ભાટી (પોરબંદરનો જૂનો એમ.સી.આર. આરોપી)
કિશન જીવા ભાટી (નરસીનો સગો ભાઈ)
સોમાભાઈ મોતીભાઈ ભાટી
સોનલબેન સોમાભાઈ ભાટી (સોમાભાઈની પત્ની)
