રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રહેતી 25 વર્ષીય નેહાબેન વિજયભાઈ રાયઠઠાએ જામનગરના દિવ્યેશ દીલીપભાઈ સવજીયાણી વિરુદ્ધ ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી નેહાબેન, જેઓ ખાનગી બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવે છે, તેમની સગાઈ ગત 22 ફેબ્રુઆરી 2026ના રોજ જામનગરના દિવ્યેશ સાથે થઈ હતી. સગાઈ બાદ હરવા-ફરવા દરમિયાન દિવ્યેશે જણાવ્યું હતું કે તેના પિતાને કેન્સર હોવાથી તે મજબૂરીમાં આ લગ્ન કરી રહ્યો છે.
આ વાતની જાણ નેહાબેને પોતાના પરિવારને કરતા, વડીલોની સંમતિથી સગાઈ તોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સગાઈ તૂટતા બંને પક્ષોએ એકબીજાની વસ્તુઓ પરત કરવાનું નક્કી કર્યું હતું. આ અંતર્ગત 22 માર્ચ 2026ના રોજ સાંજે સાડા છ વાગ્યે નેહાબેન અને તેમના માસી શોભનાબેન રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલા પામ યુનિવર્સ ખાતે વસ્તુઓ પરત કરવા ગયા હતા. ત્યાં આરોપી દિવ્યેશ અને તેનો પરિવાર હાજર હતો. વસ્તુઓની આપ-લે પૂર્ણ થયા બાદ, દિવ્યેશે સગાઈ તોડવા બાબતે નેહાબેનને બિભત્સ ગાળો આપવાનું શરૂૂ કર્યું હતું. જ્યારે નેહાબેને ગાળો બોલવાની ના પાડી, ત્યારે ઉશ્કેરાયેલા દિવ્યેશે તેમને માર મારવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઝઘડા દરમિયાન નેહાબેનને બચાવવા તેમના માસી શોભનાબેન વચ્ચે પડતા દિવ્યેશે તેમને ગાલ પર ઈજા પહોંચાડી હતી. હાજર રહેલા અન્ય લોકોએ વચ્ચે પડી દિવ્યેશને શાંત પાડી બહાર મોકલ્યો હતો, પરંતુ જતી વખતે તેણે નેહાબેન અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ગાંધીગ્રામ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (ઇ.ગ.જ.જ.) ની કલમ 115(2), 352 અને 351(3) મુજબ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ મુન્નાભાઈ મેઘજીભાઈ ઢાપાને તપાસ સોંપી છે.
