રાજકોટ શહેરના લાખાજીરાજ ઉદ્યોગનગર વિસ્તારમાં મંગળવારની સાંજે કૌટુંબિક અદાવતમાં લોહીયાળ જંગ ખેલાયો હતો. મનછાનગર શેરી નંબર 08 માં રહેતા 36 વર્ષીય દક્ષાબેન ભરતભાઈ ચાવડાએ પોતાની ભાભી અને બે ભત્રીજાઓ વિરુદ્ધ જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો કરવાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં દક્ષાબેન સહિત તેમના માતાને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલના સર્જરી વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ, ફરિયાદી દક્ષાબેન ગત 24 માર્ચના રોજ સાંજના આશરે સાડા છ વાગ્યે પોતાની ભત્રીજી તમન્ના સાથે લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નંબર 08 માં રહેતા તેમના માતા પ્રભાબેનના ઘરે લાકડા લેવા માટે ગયા હતા. આ સમયે ત્યાં જ પડોશમાં રહેતા તેમના સગા ભાભી મનિષાબેન કલ્પેશભાઈ વાલાણી તથા તેમના બે પુત્રો હાર્દિક અને દર્શને ત્યાં આવીને તકરાર શરૂૂ કરી હતી. આરોપીઓએ “અહીં ના પાડવા છતાં કેમ આવો છો?” તેમ કહીને ઝઘડો કર્યો હતો અને ઉશ્કેરાઈને હુમલો કરી દીધો હતો.
હુમલા દરમિયાન આરોપી મનિષાબેને લાકડાના ધોકા વડે દક્ષાબેનને માર માર્યો હતો, જ્યારે તેમના પુત્ર દર્શને છરી વડે દક્ષાબેનના કપાળના ભાગે જોરદાર ઘા ઝીંકી દીધો હતો, જેના કારણે લોહીલુહાણ હાલતમાં તેઓ ઢળી પડ્યા હતા. અન્ય આરોપી હાર્દિકે પટ્ટા વડે દક્ષાબેન અને તેમને બચાવવા વચ્ચે પડેલા તેમના માતા પ્રભાબેનને પણ બેરહેમીથી માર માર્યો હતો. આ હુમલાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. હાલ થોરાળા પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી એ.એસ.આઈ. ઘેલુભાઈ ડાયાભાઈને વધુ તપાસ સોંપી છે.
