રાજકોટને વ્યાજખોરોથી મુક્ત કરવાના અભિયાનમાં માત્ર પોલીસની વાહવાહી

વ્યાજખોરો સામેની ફરિયાદમાં પીડિતોને પોલીસ ઉપર ભરોસો નહીં હોવાનું દૃશ્ય જનસંપર્ક સભામાં વ્યાજખોરીનો ભોગ બનેલા 20 પીડિતોએ અરજી કરી જો પોલીસ સમયસર કાર્યવાહી કરેે તો…

વ્યાજખોરો સામેની ફરિયાદમાં પીડિતોને પોલીસ ઉપર ભરોસો નહીં હોવાનું દૃશ્ય

જનસંપર્ક સભામાં વ્યાજખોરીનો ભોગ બનેલા 20 પીડિતોએ અરજી કરી

જો પોલીસ સમયસર કાર્યવાહી કરેે તો લોકદરબાર યોજવાની જરૂર જ ન પડે

શહેરમાં બેફામ બનેલા વ્યાજખોરો ઉપર અંકુશ લગાવવા ગેરકાયદેસર રીતે નાણાં ધીરનાર વ્યાજખોરો સામે કાયર્વાહી કરવા રૈયા રોડ પરના પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં પોલીસ દ્વારા જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા. વ્યાજખોરો વિરૂૂધ્ધ યોજાયેલા લોક દરબાર કમ જનસંપર્ક સભામાં પોલીસને માત્ર 20 અરજીઓ જ મળી હતી, જેની સામે પોલીસની વાહવાહી કરનારા વધુ હતા. ઓડિટોરિયમ ફૂલ હતું.

એમ છતાં આટલી ઓછી અરજીઓ કેમ આવી તે અંગે સવાલ ઉભો થયો છે. વ્યાજખોરીની ફરિયાદની સાથે સાથે જ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની વાહવાહીના ગીતો ગાવામાં આવ્યા હતા. દોઢ કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમ દરમિયાન મૌખિક રીતે વ્યાજખોરીની ફરિયાદ થઈ તેની તુલનાએ પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહીના વખાણ વધુ થયા હતા. ઓડિટોરિયમમાં પોલીસની વાહવાહી કરનારા કોણ હતા તે અંગે પણ રહસ્ય સર્જાયું છે. શહેરમાં વ્યાજખોરીની સમસ્યા રહી નથી પરંતુ પીડિતોને પોલીસ પર ભરોસો નહીં હોવાથી અને વ્યાજખોરો માથાભારે તેમજ વગદાર હોવાથી ફરિયાદો થતી નથી.
વ્યાજખોરો સામેની પોલીસની આ જન સંપર્ક સભામાં રિક્ષાચાલક, સરપંચ, વિવિધ ધંધાર્થી સહિતનાએ પોતાની વ્યથા અધિકારીઓ સમક્ષ ઠાલવી હતી.

પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં અલગ-અલગ પોલીસ મથકના ટેબલ ગોઠવવામાં આવ્યા હોય ત્યાં અરજદારોની અરજી લઈ ફરિયાદોનું નિરાકરણ કરવા તજવીજ આદરવામાં આવી હતી. જનસંપર્ક સભામાં પોલીસને માત્ર 20 અરજીઓ જ મળી હતી. એકંદરે આ જનસંપર્ક સભામાં આજીડેમ પોલીસ મથક સિવાય તમામ પોલીસ મથકે વ્યાજખોરી સામે કાર્યવાહી કરવામાં ’ઝડપ’ રાખ્યાનો નિષ્કર્ષ પણ નીકળ્યો હતો. એક તરફ વ્યાજખોરો સામેની ઝુંબેશ માં એક વાત સ્પષ્ટ થઇ હતી કે, પોલીસ વ્યાજખોરો વિરૂૂધ્ધની ફરિયાદો ઉપર બહુ ધ્યાન દેતી નથી.

આ જ કારણથી વ્યાજખોરો બેફામ બની ગયા છે. જો પોલીસ મથક લેવલે જ વ્યાજખોરો વિરૂૂધ્ધ કડકાઈથી કાર્યવાહી કરવામાં આવે તો આ પ્રકારના લોક દરબાર કમ જનસંપર્ક સભાનું આયોજન કરવાની કોઈ જરૂૂર જ ન પડે તેમ લોકોનું કહેવું હતું, જનસંપર્ક સભામાં આવેલા દરેક અરજદારોની પોતાની વ્યથા હતી. શહેરમાં છેલ્લા ઘણાં સમયથી શેરીએ-ગલીએ ફૂટી નીકળેલા વ્યાજખોરો બેફામ બન્યા છે.

વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયેલા અનેક પીડિતોએ આત્મહત્યા કરવી પડી છે. અનેક પીડિતોએ હિજરત પણ કરવી પડી છે, જે પોલીસની સ્પષ્ટ રીતે નિષ્ફળતા દર્શાવે છે. આ જનસંપર્ક સભામાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ડીસીપી ઝોન-1 હેતલ પટેલ, ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજા ઉપરાંત તમામ એસીપી તેમજ તમામ પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભત્રીજાઓએ રૂૂ.20 હજાર 20 ટકા લેખે નાણા આપી મકાન પડાવી લીધું

શહેરમાં કોઠારીયા રોડ પર હુડકો પાસે રહેતા રિક્ષા ચલાક દિનેશભાઈ નાથાભાઈ ચાવડાએ પોલીસ સમક્ષ જણાવ્યુ હતુ કે તેમણે સગા ભત્રીજા પાસેથી 20 હજાર રૂૂપિયા 20% વ્યાજે લીધા હતા અને એક વર્ષ વ્યાજ ચુકવ્યુ અને અત્યાર સુધીમાં એક લાખ રૂૂપિયા ભરપાઈ કરી દીધા છે આમ છતાં મારકૂટ કરી ભત્રીજો અહી આવીશ તો મારી નાખીશ તેમ ધમકાવી રહ્યો છે અને ઘર પણ પચાવી પાડતાં હાલ રિક્ષામાં રહેવા મજબૂર બન્યો છું. આ મામલે જયારે ફરીયાદ કરવા ગયા હતા તો પોલીસ તેનુ સાંભળતુ ન હોવાનો આક્ષેપ કર્યો હતો. આ દિનેશભાઈ નાથાભાઈ ચાવડાની ફરિયાદ સાંભળી તાત્કાલિક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો હતો.

14 લાખ વસૂલવા મંડળી સંચાલકો દ્વારા જેલમાં ધકેલી દેવાની ધમકી

જન સંપર્ક સભામાં આવેલા અમીન માર્ગ પાસે ભાડાના મકાનમાં રહેતા મુકેશભાઈ ગઢવીએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી અને જણાવ્યું કે, અગાઉ તેના પિતાના અવસાન બાદ મંડળીમાંથી લોન લીધી હતી જેના નાણા ભરપાઈ નહી કરી શકતા તેની સામે ગુનો નોધાયો હતા અને જેલમાં પણ ગયો હોય બાદમાં બહાર આવતા મંડળીના કર્મચારીઓ મારફતે વિધવા માતાને તમારા પુત્રને જેલમાં ધકેલવાની અવાર નવાર ધમકી આપી રૂૂ.14 લાખની માંગ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે માલવિયાનગર પોલીસે મુકેશભાઈ ગઢવીની અરજીના આધારે વધુ તપાસ શરૂૂ કરી છે.

ગીરવે મૂકેલી કરોડોની જમીન વેચી નાખનાર મનીપ્લસ મંડળી પાસેથી ન્યાય માટે અરજી

રાજકોટની મનીપ્લસ શરાફી મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગાએ રાજકોટમાં રોકાણકારો સાથે રૂૂ. 11 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે, જેમાં મહિને 1% વળતરની લાલચ આપી નાણાં પડાવ્યા હતા. આ મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે ત્યારે પોલીસના જનસંપર્ક સભામાં આવેલા એક વૃધ્ધે જણાવ્યુ હતુ કે અલ્પેશ દોંગાની મંડળીમાં ખેડુતે કરોડોની જમીન ગીરવે મુકી હતી જેમા બારોબાર વેચાણ કરી દિધી હતી તેમજ કેટલાક મંડળીમાંથી રોકાણ કરેલા 300 જેટલા લોકો પણ ફસાયા હોય મંડળીએ 400 કરોડનું કૌભાંડ કર્યુ હોય ન્યાય આપવા માટે જણાવ્યુ હતુ

સારવાર માટે વ્યાજે લીધેલી રકમ વસૂલવા ધમકી, ભક્તિનગરમાં પ્રથમ ગુનો નોંધાયો

વ્યાજખોર સામે લોક દરબાર તેમજ જન સંપર્ક સભામાં 20 અરજી મળી હોય જેમાં વ્યાજખોરી અંગે પ્રથમ ગુનો ભક્તિનગર પોલીસ મથકમાં દાખલ થયો છે. બાબરિયા કોલોની મેઈન રોડ પર મોરારીનગરમાં રહેતાં દિપકભાઈ કાનજીભાઈ પેઢડિયા (ઉ.વ.45)ની ફરિયાદ પરથી વ્યાજખોર સબ્બીર સામે ગુનો દાખલ કર્યો હતો.દીપકભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે તેમના માતાની બિમારીની સારવાર માટે આરોપી પાસેથી રૂૂા.એક લાખ 10 ટકા વ્યાજે લીધા હતા. જેની સામે તેની પાસેથી રૂૂા.2.40 લાખ પડાવી લઈ વ્યાજખોરે ગાળો આપી હતી.

એ-ડિવિઝન પોલીસમાં ત્રણ વખત અરજી કરી છતાં ન્યાય ન મળ્યો
જનસંપર્ક સભામાં આવેલ મવડી પ્લોટના અમરનગરમાં રહેતા પ્રમોદભાઈ ખાખરીયાએ રજૂઆત કરી હતી કે સાંગણવા ચોક પાસે મહેતા બિલ્ડિંગમાં પુજારા ફાઈનાન્સના હિરેન પુજારા પાસેથી તેણે 4 ટકા લેખે રૂૂા. 4.95 લાખ વ્યાજે લઈ બદલામાં 11 તોલા સોનું ગિરવે મુકયું હતું. દર મહિને રૂૂા. 18 હજાર વ્યાજ ચૂકવતાહતા. પૈસાની વ્યવસ્થા થઈ જતાં મૂળ રકમ આપવા ગયા હતા પરંતુહિરેન પુજારાએ સોનું પરત આપ્યું ન હતું, જેથી તેના વિરૂૂધ્ધ ત્રણેક વખત પોલીસમાં અરજીઓ કરી હતી. આમ છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. એટલું જ નહીં તમે સાચા હશો તો ભગવાન ઉપર ભરોસો રાખો એટલે તમારું સોનું પાછું આવી જશે તેમ કહી દર વખતે વળાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે અરજદારે ન્યાય નહીં મળતાં એ ડિવિઝન પોલીસ મથકમાં ફિનાઈલ પણ પીવું પડ્યું હતું.

વ્યાજખોર ભાણેજનો ત્રાસ,મહિલા સરપંચના પતિ અને આજીડેમના પી.આઈ વચ્ચે માથાકૂટ
કોટડા સાંગાણીના સોળિયા ગામના મહિલા સરપંચના પતિ જગાભાઈ જાપડીયાએ અગાઉ તેના પિતરાઈ ભાઈને પૈસાની જરૂૂર હોય તેના ભાણેજ પ્રકાશ ચાવડા પાસેથી રૂૂ.30 લાખ ઉંચા વ્યાજે લઈને આપ્યા હતા. જેના કટકે કટકે રૂૂ.1.48 લાખ ચુકવી દિધા હતા છતા તેમની જમીન પડાવી લીધી અને અવાર નવાર વધુ વ્યાજની ઉધરાણી કરી મારકુટ કરી ત્રાસ આપતો હોય જેની પોલીસમાં ફરીયાદ કરવા જતા કોઈ આરોપી વિરૂૂધ્ધ ફરીયાદ લેતા ન હોય જેથી કંટાળી ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જગાભાઈ વિસાભાઈ ઝાપડિયા કે જેમના પત્ની હંસાબેન ઝાપડીયા સરપંચ તરીકે કાર્યરત છે તેમણે પોતાની રજૂઆત કર્યા બાદ રોષભેર બહાર નીકળી ગયા હતા અને આજી ડેમ પોલીસ મથક વિસ્તારના ટેબલ પર જઈને અરજી આપી હતી. આ વેળાએ આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી.જાડેજા પણ ત્યાં પહોંચતાં થોડો સમય માટે સરપંચ હંસાબેન, તેમના પતિ સહિતના સાથે જામી પડતાં વાતાવરણ ઉગ્ર બન્યું હતું પોલીસે મોડી ફરીયાદ લેતા આરોપીને કોર્ટમાં મોડી ફરીયાદનો લાભ ઉઠાવી સ્ટે લઈ લીધો હોય. તેમજ તેમના પત્ની હંશાબેનએ જણાવ્યુ હતુ કે આરોપીએ તેની જમીન પડાવી લીધી હોય પોલીસ આરોપી સામે કોઈ કાર્યવાહી કરતી ન હોવાથી મારો પરીવાર રઝળી પડયો હોય છતા પોલીસ કોઈ કાર્યવાહી નહી કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

ખોટા ખર્ચ ઉપર કાબુ રાખો, ડર કે સંકોચ વિના ફરિયાદ કરો: પોલીસ કમિશ્નર ઝા
વ્યાજખોરો સામે પોલીસે શરૂૂ કરેલી ઝુંબેશમાં વ્યજખોરીને ડામી દેવા માટે પોલીસ દ્રારા યોજાયેલ જનસંપર્ક સભામાં પોલીસ કમીશનર બ્રજેશ કુમાર ઝાએ જણાવ્યુ હતુ કે જરૂૂર મુજબ પૈસાનો ખર્ચ કરવો અને બચત રાખવી તેમજ મોજશોખ માટે વ્યાજે લેતા કેટલાક લોકોને સમજવાની જરૂૂર છે. બર્થ-ડે પાર્ટી, લગ્ન સહિતના પ્રસંગો માટે ઉધાર પૈસા લઈને જલ્સા ન કરવા જોઈએ મોજશોખ કે પાર્ટીઓ કરવા માટે વધુ વ્યાજે પૈસા લેતા હોય બાદમાં ભરી નહી શકતા તેનો પરીવાર બર્બાદ થતો હોય જેથી જરૂૂર પડે તો સરકારી યોજનાઓ તેમજ બેંકો પાસેથી લોન મેળવવી અને સમયસર ભરપાઈ પણ કરી આપવી જોઈએ જેથી તમને બીજી વખત રૂૂપિયાની જરૂૂર પડે તો ફરી નાણા મળી જાય અને તમે ક્યારેય વ્યાજના ચક્રમાં ફસાશો નહીં તેમજ વ્યાજખોરીમાં ફસાયેલા લોકો તત્કાલ પોલીસનો સંપર્ક કરવા તેમજ પીડીત વ્યકિત કોઈ દબાણમાં આવી કોઈ પગલુ નહી ભરવાની સલાહ આપી લોકોને વ્યાજખોરી અંગે માહિતી આપવા અપીલ કરી હતી. જો પોલીસ મથકે જઈને ફરિયાદ કરવામાં ડર કે સંકોચ થઈ રહ્યો હોય તો એસીપી, ડીસીપી અને ત્યાં સુધી કે મારી ઓફિસમાં આવીને પણ રજૂઆત કરી શકો છો. જો તમે સમયસર ફરિયાદ કરશો તો પોલીસ ઝડપથી કાર્યવાહી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *