વડોદરાના અતિ ચકચારી ભાયલી ગેંગરેપ કેસના 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા બાદ પોક્સો કોર્ટમાં આજે સજા પર દલીલો કરવામાં આવી. સરકાર પક્ષે આરોપીઓને ફાંસીની અને ફાંસી નહીં તો જિંદગીના અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારવા રજૂઆત કરવામાં આવી. પોક્સો કોર્ટ 31મી ઓગસ્ટે સજા સંભળાવશે. સજાની દલીલ સમયે આજે આરોપીઓને વીડિયો કોન્ફરન્સથી હાજર રાખવામાં આવ્યા.
2024માં બીજા નોરતાની રાત્રે મિત્ર સાથે ગરબા રમવા ગયેલી સગીરા અને તેનો મિત્ર બેઠા હતા ત્યારે જ પાંચ શખસોએ ત્યાં આવી સગીરા સાથે અડપલાં અને દુષ્કર્મ આચર્યું’તું. 22 મહિના કેસ ચાલ્યા બાદ 20 ઓગસ્ટે વડોદરા પોક્સો કોર્ટે પાંચેય આરોપીઓ મુમતાજ બનજારા, શાહરૂખ બનજારા, મુના બનજારા, અજમલ સતાર, સૈફઅલી મહેંદીહસન દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
ખાસ સરકારી વકીલ અનિલ દેસાઈ એ જણાવ્યું કે, આ ગુનામાં આરોપીઓને કેટલી સજા કરવી તે અંગે આજે નામદાર કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી. સરકાર તરફથી એવી દલીલ રજૂ કરવામાં આવી છે કે, કાયદાના પ્રોવિઝન મુજબ અને ગુનાની કલમો હેઠળ જે મહત્તમ સજાની જોગવાઈ છે, એટલે કે આરોપીઓને તેમના છેલ્લા શ્વાસ સુધીની સજા થાય.જો કોર્ટને આ કેસમાં ફાંસીની સજા યોગ્ય ન લાગે તો તેવા સંજોગોમાં આરોપીઓને આજીવન કેદ (છેલ્લા શ્વાસ સુધીની મહત્તમ સજા) આપવામાં આવે.
સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, દુષ્કર્મના આ કેસમાં પ્રોસિક્યુશન તરફથી સાંયોગિક પુરાવાની દરેકે દરેક કડીઓ નામદાર કોર્ટ સમક્ષ શંકારહિત રીતે પૂરવાર કરવામાં આવી હતી. આ ગુનાની શરૂૂઆતમાં પાંચ પૈકી બે આરોપીઓએ ભોગ બનનાર સાથે શારીરિક છેડછાડ કરી અને ત્યારબાદ બાકીના ત્રણ જણાએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
બનાવ સમયે ભોગ બનનારનો મોબાઈલ ફોન પણ લૂંટી લેવામાં આવ્યો હતો અને તે લૂંટનો દાવો પણ કોર્ટે ગ્રાહ્ય રાખ્યો છે. આરોપીઓએ પુરાવાનો નાશ કરવાના હેતુથી મોબાઈલને વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હતો. આ મોબાઈલને શોધવા માટે ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને તેમની જુબાનીઓ તથા મેડિકલ પુરાવા પણ કોર્ટે માન્ય રાખ્યા છે.
સંયોગિક પુરાવાના કેસમાં સંજોગોની તમામ કડીઓ યોગ્ય રીતે જોડાવી જરૂૂરી હોય છે, જે પુરાવા પ્રોસિક્યુશન ટીમ અને પોલીસે મળીને કોર્ટ સમક્ષ સફળતાપૂર્વક રજૂ કર્યા હતા. કોર્ટે આ તમામ પુરાવાઓને સંતોષજનક ગણાવ્યા છે અને તમામ આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા છે.
