ગુમ વૃધ્ધાનો કેસ સાત મહિને ઉકેલાયો, પાણી પીવા બોલાવી બળાત્કારનો પ્રયાસ કર્યો, લૂંટ ચલાવી હત્યા કરી
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખમીદાણા ગામના છેવાડે આવેલા એક અવાવરૂૂ કૂવામાંથી માનવકંકાલ અને કીમતી દાગીના મળતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે કૂવામાંથી કચરાની ભરેલી થેલીમાંથી હાડપિંજરનાં ટુક્ડા બહાર કાઢ્યાં હતા. ત્યારે સાત મહિના પહેલા રહસ્યમય રીતે ગુમ થયેલા 65 વર્ષીય સુમરીબેન ઉર્ફે મણીબેન બારૈયાના કેસમાં મોટો ખુલાસો થયો છે.
ખમીદાણ ગામનો પુજારી મહેશ વ્યાસ નામના આરોપીએ લૂંટના ઈરાદે વૃદ્ધની કરપીણ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આરોપીએ વૃદ્ધા પર દુષ્કર્મનો પ્રયાસ પણ કર્યો હતો. જૂનાગઢ આર.આર. સેલની ટીમે સતત મહેનત બાદ આ વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
આ મામલે આર.આર. સેલના પીઆઇ સી.વી. નાયકે જણાવ્યું હતું કે, રેન્જ આઇજીની સૂચના મુજબ વણશોધાયેલા ગુનાઓ પર કામ કરતા ખમીદાણના આ કેસમાં ઊંડાપૂર્વક તપાસ શરૂૂ કરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સમાં વૃદ્ધા પાસે સાદો ફોન હોવાથી કોઈ કડી મળતી નહોતી. તેથી પોલીસે માનવ સંસાધનોનો ઉપયોગ કર્યો. ખમીદાણ અને આસપાસના 450 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મહેશ મુકેશભાઈ વ્યાસના વર્તન પર શંકા ગઈ હતી. પાંચ કલાકની સઘન પૂછપરછ અને યુક્તિ-પ્રયુક્તિ બાદ મહેશે પોતાનો ગુનો કબુલ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, સુમરીબેન જ્યારે હોસ્પિટલથી પરત ફરી રહ્યા હતા, ત્યારે મહેશ વ્યાસ જે મંદિરનો પૂજારી હતો તેમને ઓળખતો હોવાથી તેણે પાણી પીવાના બહાને પોતાના ઘરે બોલાવ્યા હતા અને હત્યા કરી લૂંટી લીધા હતા.
મૃતક સુમરીબેનના ભત્રીજા નાથાભાઈ વાઢીયાએ જણાવ્યું હતું કે, મારા ફોઈ સુમરીબેન ગત 7 જૂન 2025ના રોજ આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે હોસ્પિટલ ગયા હતા. અમે પોલીસમાં વારંવાર રજૂઆતો કરી અને ન્યાય માટે હાઈકોર્ટનો સહારો પણ લીધો હતો. ફોઈ પોતાની સાથે હંમેશા 15 તોલા સોનું અને રોકડ રાખતા હતા. જેની જાણ ગામના જ મહેશ વ્યાસને હતી. મહેશે વિશ્વાસઘાત કરીને તેમની હત્યા કરી નાખી. આજે સાત મહિના બાદ સત્ય સામે આવ્યું છે. અમે માગ કરીએ છીએ કે આ આરોપીને ફાંસીની સજા મળે.
હત્યા કર્યા બાદ મહેશ વ્યાસે લાશને પ્લાસ્ટિકના બાચકામાં ભરી દોરીથી બાંધી દીધી હતી. તેણે આ લાશને પોતાની મોટરસાયકલ પર લઈ જઈ ગામની સીમમાં આવેલા એક અવાવરૂૂં કૂવામાં ફેંકી દીધી હતી. બીજી તરફ લૂંટના પૈસાથી તેણે પોતાના ઘરમાં રિનોવેશન કરાવ્યું અને સોલાર પ્લાન્ટ પણ ફીટ કરાવ્યો હતો. તેની અચાનક બદલાયેલી રહેણી-કહેણી જ પોલીસ માટે શંકાનું મુખ્ય કારણ બની હતી.
આરોપીની કબુલાત બાદ જ્યારે પોલીસ તેને કૂવા પાસે લઈ ગઇ અને તાપસ કરી ત્યારે ત્યાંથી વૃદ્ધાની ચીજવસ્તુઓ તો મળી આવી પરંતુ લાશ કે કંકાલ મળ્યા નહીં. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન નદીના પૂરને કારણે કૂવો છલગાઈ ગયો હતો. આ માહિતી મળતા જ પોલીસ ટીમે કૂવાની આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અંતે કૂવાથી 100 મીટર દૂર બાવળની જાળીમાંથી કોથળામાં બંધાયેલું વૃદ્ધાનું કંકાલ મળી આવ્યું હતું.
