બળાત્કાર અને છેતરપિંડીના ગુનાઓના ભેદ ઉકેલવામાં અમદાવાદ-સુરત પછી રાજકોટ ત્રીજા નંબરે
અમદાવાદ- સુરત કરતાં રાજકોટની વસ્તી ઘણી ઓછી છતાં ડ્રગ્સનાં કેસ પ્રમાણમાં વધુ
હેલમેટના નિયમનો કડક અમલ કરાવી દંડ ઉઘરાવવામાં અવ્વલ નંબર રહેલી રાજકોટ પોલીસ ગુનાના ભેદ ઉકેલવામાં સાવ પાછળ હોવાનું આંકડાકીય માહિતી પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. શાંત અને સલામત ગણાતા રંગીલા રાજકોટમાં ગુનાખોરી વધી રહી હોવાનું વિધાનસભામાં રજુ કરાયેલા આંકડાઓ ઉપરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને ગુનાખોરી વધી રહી છે.
તેમાં પણ રાજકોટ મહિલાઓ અસલામતી અનુભવી રહી હોવાનું કારણ એ જ છે કે છેલ્લા છ મહિનામાં રાજકોટ શહેરમાં દુષ્કર્મ અને છેડતીના બનાવો વધ્યાં છે. અમદાવાદ અને સુરત બાદ રાજકોટ દુષ્કર્મ અને છેડતીના ગુનાઓમાં ત્રીજા નંબરે છે. સુરતમાં દુષ્કર્મના 108, અમદાવાદમાં 154 અને રાજકોટમાં દુષ્કર્મના 60 અને છેડતીના 11 ગુનાઓ નોંધાયા હોવાનું આંકડાકીય માહિતી મુજબ જાણવા મળ્યું છે. વિધાનસભામાં ખુદ ગૃહ વિભાગે માહિતી રજુ કરી છે જેમાં રાજકોટમાં છેલ્લા છ મહિનામાં દુષ્કર્મના 60 અને છેડતીનાં 11 ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. જેના પરથી એ સ્પષ્ટ થાય છે કે રાજકોટ શહેરમાં મહિલાઓ અસલામત છે. હેલમેટના કાયદાનો કડક અમલ કરાવવાના નેમ સાથે રસ્તાઓ ઉપર ઉતરી પડેલી પોલીસને ગુનાના ભેદ ઉકેલવામાં ઓછો રસ છે. જેના કારણે રાજકોટ શહેરમાં ગુનાખોરી બેફામ બની છે અને ગુનાખોરી પર કાબુ મેળવવામાં રાજકોટ શહેર પોલીસ નાકામ રહી હોવાનું સ્પષ્ટ થયું છે.
ઉપરાંત રાજકોટમાં છેતરપીંડી અને આર્થિક ગુનાઓની બાબતોમાં પણ શહેર પોલીસ સાવ તળીએ હોવાનું સ્પષ્ટ થયું છે. રાજકોટ શહેરમાં છેલ્લા છ મહિનામાં છેતરપીંડીનાં 110 ગુનાઓ નોંધાયા હોય જેમાં હજુ સુધી 51 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. એક તરફ ડિજિટલ એરેસ્ટ અને સાયબર માફીયાઓથી સતર્ક રહેવા પોલીસ સતત નાગરિકોને જાગૃત રાખવામાં આવે છે ત્યારે રાજકોટ શહેરમાં છેતરપીંડીનાં 110 ગુનો નોંધાયા છે. સુરતમાં 290, અમદાવાદમાં 270 બાદ રાજકોટમાં સૌથી વધુ છેતરપીંડીનાં ગુના નોંધાયા છે. શહેરમાં ગુનાખોરીનો સામ્રાજિક વક્રી રહ્યું છે તે વાત પ્રસ્થાપિત થઈ છે. માદક પદાર્થોની હેરાફેરી બાબતે નોંધાયેલા કેસ અંગેના ગૃહ વિભાગ દ્વારા રજુ કરાયેલા આંકડામાં વસ્તીની દ્રષ્ટીએ નજર કરવામાં આવે તો સુરતમાં 79, અમદાવાદમાં 37 અને રાજકોટ શહેરમાં 28 ગુનો નોંધાયેલા હોય જેમાં સુરત પોલીસે 150, અમદાવાદ પોલીસે 65 અને રાજકોટ પોલીસે 41 આરોપીઓની ધરપકડ કરી છે.
માદક પદાર્થોની હેરાફેરી રોકવામાં રાજકોટ પોલીસે કડક હાથે કામ લીધું છે. ઉપરાંત રાજકોટ શહેરના જુગાર અંગેના 333 ગુના, ચોરીનાં 381 ગુના નોંધાયેલા હોવાનું ગૃહ વિભાગનાં આંકડાઓ ઉપરથી સ્પષ્ટ થયું છે. રાજકોટ શહેરમાં ગુનાખોરી રોકવામાં પોલીસ માત્ર કાગના વાઘની જેમ વાતો કરતી હોવાનું આંકડા ઉપરથી સ્પષ્ટ થયું છે.
છેતરપિંડીની 81 ફરિયાદમાં 402 કરોડની ઠગાઈમાં માત્ર 7 કરોડની જ રિકવરી
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં નાણા ઉચાપતની જુદી જુદી 81 જેટલી ફરિયાદો થઈ છે. લેભાગુ કંપનીઓ સામે થયેલી આ ફરિયાદો મુજબ 402 કરોડથી વધુની રકમની ઉચાપત છે .જો કે સરકારે વિધાનસભામાં પ્રશ્નોતરીમાં જવાબ આપતા સ્વીકાર્યુ છે કે હજુ સુધી બે કંપનીઓની મિલકતો જપ્ત કરી હરાજી કરવામાં આવી છે અને 7.53 કરોડની રકમ પરત કરાઈ છે ગુજરાત સહિત દેશભરમાં ફાઈનાન્સિયલ કંપનીઓ બિલાડીના ટોપની જેમ ફુલી ફાલી છે અને અનેક કંપનીઓ દ્વારા ઊંચા વ્યાજ-લાભની લાલચે મોટું રોકાણ કરાવવામા આવતુ હોય છે.પરંતુ અનેકવાર રોકાણકારોના રૂૂપિયા ડુબી જાય છે અને કંપનીઓ છેતરપીંડી આચરે છે. જે માટે કાયદાકીય કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પ્રોટેકશન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ 2023 લાગુ કરવામા આવ્યો છે. જે અંતર્ગત છેલ્લા બે વર્ષમાં એકટ અનવ્યે નાણા ઉચાપત-લેભાગુ કંપનીઓ વિરૂૂદ્ધ 81 ફરિયાદો મળી છે. રોકાણકારો-ડિપોઝીટર્સના 402 કરોડથી વધુના રૂૂપિયા ફસાયા છે. જેમાં માત્ર 7.53 કરોડની જ રિકવરી થઈ છે.

