મોચીનગરમાં વેપારીના ઘરમાંથી 10 તોલા સોનાની ચોરી

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોએ માથું ઉચક્યું છે, ત્યારે વધુ એક ચોરીની ઘટના જામનગર રોડ પર આવેલા મોચીનગર વિસ્તારમાં બની છે. અહીં રહેતા અને નોનવેજની…

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોએ માથું ઉચક્યું છે, ત્યારે વધુ એક ચોરીની ઘટના જામનગર રોડ પર આવેલા મોચીનગર વિસ્તારમાં બની છે. અહીં રહેતા અને નોનવેજની દુકાન ચલાવતા વેપારી જ્યારે પરિવાર સાથે બહારગામ ગયા હતા, ત્યારે તસ્કરોએ તેમના બંધ મકાનના નકુચા તોડી અંદાજે 15 લાખની કીમતના 10 તોલા સોનાના ઘરેણાની ચોરી કરી પલાયન થઈ ગયા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

મળતી માહિતી મુજબ, રાજકોટના જામનગર રોડ પર આવેલા મોચીનગરની શેરી નંબર-6 માં આબીદભાઈ કટારીયા પોતાના પરિવાર સાથે રહે છે. આબીદભાઈ સ્થાનિક વિસ્તારમાં જ નોનવેજની દુકાન ચલાવે છે. બે દિવસ પૂર્વે તેઓ પોતાના મકાનને લોક મારીને કોઈ કામ અર્થે પરિવાર સાથે બહારગામ ગયા હતા. આ સમયગાળા દરમિયાન તસ્કરોએ આબીદભાઈના બંધ મકાનને રેકી કરીને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરના કબાટમાં રાખેલા અંદાજે 10 તોલા સોનાના ઘરેણાની ચોરી કરી હતી. આબીદભાઈ કટારીયા આજે જ્યારે બહારગામથી પરત ફર્યા ત્યારે તેમને ઘરનો દરવાજો ખુલ્લો અને નકુચો તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. ઘરમાં અંદર જઈને તપાસ કરતા સામાન વેરવિખેર પડ્યો હતો અને કબાટમાંથી સોનાના ઘરેણા ગાયબ હતા. આ જોઈને તેમના હોશ ઉડી ગયા હતા. તેમણે તાત્કાલિક આ અંગે પોલીસ કંટ્રોલ રૂૂમમાં જાણ કરી હતી.

ચોરીની આ ઘટનાની ગંભીરતાને જોતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.આઈ એચ.પી.ગઢવી તેમજ ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.એલ. ડામોર, પી.આઈ સી.એચ.જાદવ તેમજ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ તેમજ ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ સહીતનો સ્ટાફ તાત્કાલિક મોચીનગર પહોંચી હતી. પ્રાથમિક અંદાજ મુજબ, ચોરી થયેલા 10 તોલા સોનાની કિંમત બજાર ભાવ પ્રમાણે અંદાજે રૂૂ. 15 લાખ જેટલી થવા જાય છે. પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરી, આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસના મતે, તસ્કરોને આબીદભાઈ બહારગામ ગયા હોવાની ચોક્કસ માહિતી હોવી જોઈએ. જે રીતે મકાનનો નકુચો તોડીને માત્ર કિંમતી ઘરેણાની જ ચોરી કરવામાં આવી છે, તે જોતા આ ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

રહેણાંક વિસ્તારમાં થયેલી આ મોટી ચોરીને પગલે મોચીનગર અને જામનગર રોડ વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. હાલમાં ગાંધીગ્રામ પોલીસે આબીદભાઈની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ શરૂૂ કરી છે અને ક્રાઈમ બ્રાંચની ટીમો અલગ-અલગ દિશામાં તપાસ ચલાવી રહી છે. પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી ટૂંક સમયમાં જ તસ્કરોને ઝડપી લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *