શહેરની ભાગોળે સરધાર નજીક દારૂ ભરેલી કર લઈને ભાગેલા બુટલેગરે આતંક મચાવતાં બે બાઈક સવારને હડફેટે લેતાં હતાં. જેમાં લોધિડા ગામના બાઈક સવાર આધેડનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. અંતે પોલીસે બુટલેગરને પકડી પાડતાં કારમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, સરધાર નજીક આવેલા લોધિડા ગામે રહેતાં દિનેશભાઈ બચુભાઈ સોલંકી (ઉ.49) નામના આધેડ આજે બપોરે પોતાનું બાઈક લઈ વાડીએ જતાં હતાં ત્યારે સરધાર તરફથી પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે બાઈકને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક દિનેશભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ અહિં તેમની ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજી ડેમ પોલીસને જાણ કરી હતી.
મૃતકના પરિવારજનોએ જણાવ્યા મુજબ સરધાર તરફથી પુરપાટ ઝડપે આવતી કારમાં દારૂનો જથ્થો ભરેલો હોય અને પોલીસ પીછો કરતી હોવાથી કાર ચાલકે પુરપાટ ઝડપે ચલાવી સરધાર નજીક આઠ કિ.મી. વિસ્તારમાં આતંક મચાવ્યો હોય તેમ બે બાઈક સવારોને હડફેટે લીધા હતાં. અગાઉ ગઢડીયા ગામ નજીક એક બાઈક સવારને હડફેટે લીધા બાદ લોધિડા નજીક દિનેશભાઈને હડફેટે લેતાં તેમનું મોત નિપજ્યું હતું.
આજી ડેમ પોલીસ દ્વારા જણાવ્યા મુજબ, દારૂ ભરેલી કારના ચાલકે અકસ્માત સર્જયા બાદ પોલીસે કાર સાથે તેને ઝડપી લીધો હતો. કારની તલાસી લેતાં તેમાંથી 100 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ અને કાર કબજે કરી કાર ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.
