વીંછિયાના છાસિયા ગામે જૂની અદાવતમાં યુવકની હત્યા

રાજકોટ પંથકમાં કાયદો અને વ્યવસ્થા કથડીને બે હાલ થઈ હોય તેમ સાત દિવસ પૂર્વે જ જસદણ, પડધરી અને ગોંડલમાં ખૂની ખેલ ખેલાયા હતાં. જે ઘટનામાં…

રાજકોટ પંથકમાં કાયદો અને વ્યવસ્થા કથડીને બે હાલ થઈ હોય તેમ સાત દિવસ પૂર્વે જ જસદણ, પડધરી અને ગોંડલમાં ખૂની ખેલ ખેલાયા હતાં. જે ઘટનામાં હજુ પોલીસ તપાસ કરી રહી છે ત્યારે વિંછીયા તાલુકાના છાસિયા ગામે જુની અદાવતમાં ઓરિ ગામથી છાસિયા આવતાં બાઈક ચાલક યુવકને એક શખ્સે ચાલુ બાઈકે ધારીયુ ઝીંકી દીધું હતું. લોહી લુહાણ હાલતમાં ઢળી પડેલા યુવકનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની અને ગામમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વિંછીયા તાલુકાના છાસિયા ગામે રહેતાં જસમતભાઈ ઉર્ફે મનસુખભાઈ માવજીભાઈ મકવાણા નામનો 32 વર્ષનો યુવાન સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈ છાસિયા ગામના જુના બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રમેશ લીંબાભાઈ જોગરાજીયા નામના શખ્સે જસમત ઉર્ફે મનસુખ મકવાણાને ચાલુ બાઈકે ધારીયુ ઝીંકી દીધું હતું. હુમલામાં ઘવાયેલો યુવાન લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો. યુવકને સારવાર મળે તે પૂર્વે જ યુવાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. ઘટનાની જાણ થતાં વિંછીયા પોલીસ મથકનો સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

પ્રાથમિક પુછપરછમાં મૃતક જસમત ઉર્ફે મનસુખ મકવાણા એક ભાઈ એક બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં એક 18 વર્ષની પુત્રી અને 10 વર્ષનો પુત્ર છે. મૃતક જસમત ઉર્ફે મનસુખ મકવાણા અને હત્યારા રમેશ જોગરાજીયા વચ્ચે છેલ્લા ત્રણેક વર્ષથી નજીવા પ્રશ્ર્ને માથાકુટ ચાલે છે. મનસુખ ઉર્ફે જસમત મકવાણા ઓરી ગામે રહેતાં તેના સસરાના ઘરેથી ઈમિટેશનનું કામ લઈ સાંજના સમયે છાસિયા ગામે પરત ફરી રહ્યો હતો ત્યારે જુના બસ સ્ટેશન પાસે પહોંચતાં જુની અદાવતનો ખાર રાખી રમેશ જોગરાજીયાએ બાઈક ચાલક મનસુુખ ઉર્ફે જસમત મકવાણાને ધારીયાનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વિંછીયા પોલીસે હત્યાનો ગુનો નોંધવા અને હત્યારા શખ્સને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

ત્રણ વર્ષ પૂર્વે હત્યારાએ મૃતકના મકાનમાં આગ ચાંપી તારી પત્નીને હું લઈ જઈશ તેવી ધમકી આપી’તી
વિંછીયાના છાસિયા ગામે મનસુખ ઉર્ફે જસમત મકવાણાની જુની અદાવતમાં છાસિયા ગામના રમેશ લીંબાભાઈ જોગરાજીયાએ ધારીના ઘા ઝીંકી હત્યા કરી હતી. ઘટનાને પગલે ગામમાં ચકચાર મચી જવા પામી હતી. મૃતક અને હત્યારા શખ્સ વચ્ચે છેલ્લા ત્રણેક વર્ષથી નજીવા પ્રશ્ર્ને માથાકુટ ચાલતી હતી અને અવારનવાર બન્ને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. હત્યારા શખ્સે ત્રણ વર્ષ પૂર્વે જસમત ઉર્ફે મનસુખ મકવાણાની વાડીએ જઈ મકાનમાં આગ ચાંપી હતી જે અંગે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી નહીં કર્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે અને હત્યારા શખ્સે મૃતક જસમત ઉર્ફે મનસુખ મકવાણાને ‘તારી પત્નીને હું લઈ જઈશ’ તેવી ધમકી પણ આપી હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *