3 વર્ષનો કૂલિંગ ઓફ પીરિયડ ફરજિયાત બનાવતી રિઝર્વ બેંક, સહકારી ક્ષેત્રમાં ઉથલપાથલના નિર્દેશો
ગુજરાત સહિત દેશભરના સહકારી ક્ષેત્રમાં જે કાયદાની છેલ્લા બે વર્ષથી ચર્ચા અને વિવાદ હતો તે કાયદો અંતે રિઝર્વ બેંકે તાત્કાલિક અસરથી લાગુ કરી દેતા સહકારી ક્ષેત્રમાં આગામી દિવસોમાં મોટી ઉથલ પાથલ સર્જવાના નિર્દેશો મળી રહ્યા છે.
હાલ નવા નિયમો શહેરી સહકારી બેંકો માટે લાગુ કરવામાં આવ્યા છે જ્યારે ગ્રામિણ સહકારી બેંકો માટે પણ ટૂંક સમયમાં નવા નિયમો જાહેર કરવામાં આવે તેવી પુરી શકયતા છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ શહેરી સહકારી બેન્કેો (UCB)ના નિર્દેશકો એટલે કે ડિરેક્ટરના કાર્યકાળને લગતા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ સાથે મધ્યસ્થ બેંકે કહ્યું કે કોઈ પણ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સતત 10 વર્ષથી વધારે સમય સુધી ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળી શકશે નહીં.
મધ્યસ્થ બેંકે સોમવારે આ અંગેના નિયમોમાં સુધારા કરતાં દિશા-સૂચનો જાહેર કરતાં કહ્યું કે 10 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યાં બાદ કોઈ પણ ડિરેક્ટર ત્રણ વર્ષ માટે ફરજિયાત ’કૂલિંગ-ઓફ’ અવધિ બાદ જ ફરી ડિરેક્ટર થઈ શકશે.
RBIએ કહ્યું કે આ પ્રકારના કિસ્સા સામે આવ્યા છે કે જ્યાં શહેરી સહકારી બેંકોના ડિરેક્ટરો કાયદાકીય જોગવાઈને નજરઅંદાજ કરીને બોર્ડ ઓફ ડિરેક્ટરમાં જળવાઈ રહેવા માટે વચ્ચે જ રાજીનામુ આપી જલ્દીથી ફરી વખત નિમણૂંક મેળવી લે છે અથવા ફરી વખત ખાસ જોગવાઈ સાથે સત્તા પર કબજો કરી લે છે. હવે નવા નિયમ પ્રમાણે ફરજિયાત કૂલિંગ ઓફની અવધિમાં સંબંધિત વ્ય્તિ બેંકથી કોઈ પણ રીતે જોડાઈ શકશે નહીં. તેઓ ફક્ત સભ્ય અથવા ગ્રાહક તરીકે જ જોડાયેલ રહી શકશે.
જોકે, કૂલિંગ ઓફના સમય દરમિયાન અન્ય કોઈ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ડિરેક્ટર બની શકે છે. RBIએ કહ્યું કે સહકારી બેંક (શાસન) સુધારાને લગતા દિશા-નિર્દેશ, 2026 તાત્કાલિક અસરથી લાગુ થયેલ છે. આ રીતે દિશાનિર્દેશ ગ્રામીણ સહકારી બેંક (RRB) માટે અલગથી ઈશ્યુ કરવામાં આવશે.
ગુજરાતની ગ્રામિણ સહકારી સંસ્થાઓની ચૂંટણી અંગે અવઢવ
રિઝર્વ બેંકે શહેરી સહકારી બેંકોના 10 વર્ષ કે તેથી વધુ જુના ડિરેક્ટરો માટે 3 વર્ષનો કૂલિંગ પિરિયડ ફરજિયાત બનાવ્યો છે પરંતુ ગ્રામીણ સહકારી સંસ્થાઓનું કોકડું હજુ ગૂંચવાયેલું છે.માર્કેટિંગ યાર્ડ,જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘો તેમજ જિલ્લા બેંકો જેવી ગ્રામિણ સહકારી સંસ્થાઓમાં આ નિયમ લાગુ કરવા સામે વ્યાપક વિરોધ છે તેથી ગ્રામિણ સંસ્થાઓમાં આ નિયમ આવે તે પહેલાં સહકારી સંસ્થાઓની ચૂંટણી યોજવી કે ચૂંટણી બાદ નવો નિયમ લાગુ કરવો તે અંગે ભારે અસમંજસ હોવાનું મનાય છે. જો નવો નિયમ લાગુ કર્યા બાદ ગ્રામિણ સહકારી સંસ્થાઓની ચૂંટણી યોજાય તો ભાજપના અનેક ધુરંધરો સહિત 80 ટકા ડિરેક્ટરો નવરા થઈ જાય તેમ છે.
