જામનગરમાં થાર હેઠળ કચડી યુવકને મોતને ઘાટ ઉતાર્યો

જામનગરમાં કારની લે-વેચના મામલે થયેલી તકરારના જૂના મનદુ:ખમાં થાર કારથી આઈ-20 કારને ટક્કર મારી અકસ્માત સર્જી યુવકની હત્યા કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગત…

જામનગરમાં કારની લે-વેચના મામલે થયેલી તકરારના જૂના મનદુ:ખમાં થાર કારથી આઈ-20 કારને ટક્કર મારી અકસ્માત સર્જી યુવકની હત્યા કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગત મોડી રાત્રે બનેલી આ ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું હતું. શરૂૂઆતમાં અકસ્માત જણાતો આ બનાવ પોલીસ તપાસ દરમિયાન હત્યામાં પલટાયો હતો. બનાવ અંગે ગુનો નોંધાયા બાદ સીટી ‘એ’ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી શબીર હુશેન અબ્દુલભાઈ હમીરાણીની ગત તા. 29 સપ્ટેમ્બરના રોજ આરોપી હાજી અયુબ સાથે થાર કાર જોવાની બાબતે તકરાર થઈ હતી. આ બાબતનું મનદુ:ખ રાખીને આરોપીઓએ અદાવતનો બદલો લેવા કાવતરું ઘડ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ગત તા. 10 ઓક્ટોબરના રોજ વહેલી સવારે ફરિયાદી શબીર હુશેન તથા અન્ય સાક્ષીઓ આઈ-20 કાર નં. જીજે-10-એઈ-8686માં દરબારગઢથી ગુલાબનગર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન કલ્યાણ ચોક પાસે આરોપીઓએ તેમને જોઈ લેતાં થાર કાર નં. જીજે-37-એમ-1616 તથા બર્ગમેન સ્કૂટરથી પીછો કર્યો હતો.
ગુલાબનગર રોડ પર આરોપીઓએ થાર કાર વડે આઈ-20 કારને પાછળથી જોરદાર ટક્કર મારતાં કાર રસ્તાની બાજુમાં ઊભેલી બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલા અફઝલ રહીમભાઈ ચાવડા કારમાંથી ફંગોળાઈને નીચે પટકાયા હતા અને ગંભીર ઈજાઓના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ફરિયાદી સહિત અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી. બનાવ બાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાય, જામનગરના પોલીસ અધિક્ષક ડો. રવી મોહન સૈની અને ડીવાયએસપી જયવીરસિંહ એન. ઝાલાની સૂચનાથી સીટી ‘એ’ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે કમાન્ડ કંટ્રોલ રૂૂમના સીસીટીવી ફૂટેજ તપાસવા ઉપરાંત ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.

પોલીસે આ ગુનામાં હાજી અયુબભાઈ ખફી (ઉંમર 28, રહે. રબાની પાર્ક, મોરકંડા રોડ, જામનગર), ઇમ્તિયાઝ ઇકબાલભાઈ ખફી (ઉંમર 35, રહે. ખોડિયાર કોલોની, મદીના મસ્જિદ સામે, જામનગર) અને ખલીલ ઉર્ફે બાઠીયો ઇસ્માઇલભાઈ કોરા (ઉંમર 29, રહે. ટીટા ફળી, રંગુનવાલા હોસ્પિટલ પાસે, કાલાવડ નાકા બહાર, જામનગર)ને ઝડપી લીધા છે.

આરોપીઓ પાસેથી રૂૂ. છ લાખની કિંમતની થાર કાર અને રૂૂ. 30 હજારની કિંમતનું બર્ગમેન મોટરસાઇકલ કબજે કરવામાં આવ્યું છે. આમ, પોલીસે કુલ રૂૂ. છ લાખ 30 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *