ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ઉંબરી ગામની સીમ વિસ્તારમાં મધરાતે દીપડાએ બે વર્ષના બાળક પર હુમલો કરતાં શ્રમિક પરિવારમાં ફફડાટ ફેલાયો હતો. પરિવાર સાથે કામચલાઉ ઝૂંપડામાં સૂતેલા બાળકને દીપડો ઉઠાવી ગયો હતો. જોકે, પરિવારજનોએ હિંમતપૂર્વક પ્રતિકાર કરતાં દીપડો બાળકને છોડીને નાસી છૂટ્યો હતો. હુમલામાં બાળકને ગરદન, માથા અને ખભા સહિતના ભાગે ઈજાઓ થઈ હતી. બાળકને પ્રથમ વેરાવળ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના સાદા ગામના વતની રાજુભાઈ સોલંકીનો પરિવાર રોજગારી અર્થે સુત્રાપાડા તાલુકાના ઉંબરી ગામની સીમ વિસ્તારમાં રહેતો હતો. પરિવારના સભ્યો ત્યાં કામચલાઉ ઝૂંપડાં બનાવીને વસવાટ કરતા હતા. દરમિયાન, 12 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે આશરે 1:30 વાગ્યે પરિવારના સભ્યો ઊંઘમાં હતા ત્યારે દીપડો ત્યાં આવી પહોંચ્યો હતો. બાળકને દીપડો ઉઠાવી જતાં પરિવારજનોએ હિંમત દાખવી તેનો પ્રતિકાર કર્યો હતો. પરિવારજનોના સામનો કરતાં દીપડો બાળકને છોડીને નાસી છૂટ્યો હતો. જોકે, દીપડાના હુમલામાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેની ગરદન, માથા અને ખભાના ભાગે વન્યપ્રાણીના દાંતનાં નિશાન હતાં, જ્યારે ગાલ અને છાતીના ભાગે નહોરનાં નિશાન જોવા મળ્યાં હતાં.
પરિવારજનોએ તાત્કાલિક બાળકને સારવાર માટે ખસેડવાની વ્યવસ્થા કરી હતી. ઘટનાની જાણ થતાં ઇજાગ્રસ્ત બાળકને 108 એમ્બ્યુલન્સ મારફતે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. બાળકને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉંબરી ગામની સીમ વિસ્તારમાં મધરાતે બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારોની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે. કામચલાઉ ઝૂંપડાંમાં રહેતા પરિવારોને વન્યપ્રાણીઓના હુમલાનું જોખમ રહેતું હોવાથી સાવચેતી રાખવી જરૂૂરી બની છે. બીજી તરફ, વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરાં ગોઠવી દેખરેખ રાખવામાં આવી રહી છે. હવે દીપડાને પકડવા અને વિસ્તારમાં વસતા લોકોની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા આગળ કેવાં પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.
