અજાણ્યા બે શખ્સો માર મારી ખિસ્સામાંથી રોકડ કાઢી ગયા
શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ ધોળા દિવસે જંકશન પોલીસ ચોકી નજીક જ યુવાન ઉપર અજાણ્યા બે શખ્સોએ હુમલો કરી ખીસ્સામાંથી રૂા.3000ની લુંટ ચલાવી લેતાં ચકચાર મચી જવા પામી છે. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, મુળ નળીયાદનો વતની અને છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં જંકશન પોલીસ ચોકી નજીક સરકારી ગોડાઉન પાસે ફુટપાથ પર રહેતો અને ભીક્ષાવૃતિ કરતો હિરા રાજેશભાઈ ગોસાઈ (ઉ.23) નામનો યુવાન આજે સવારે 11 વાગ્યાના અરસામાં જંકશન પોલીસ ચોકી નજીક રોડ પર હતો ત્યારે અજાણ્યા બે શખ્સોએ ધસી આવી તેની સાથે ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો અને હાથ અને છાતીના ભાગે ઈજા કરી તેના ખીસ્સામાં રહેલી રૂા.3000ની રોકડ લુંટી લઈ બન્ને શખ્સો નાસી છુટયા હતાં હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ ઈજાગ્રસ્ત યુવાનનું નિવેદન નોંધવા અને હુમલો કરી લુંટ ચલાવનાર બન્ને અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
