વોર્ડ નં.10માં સયાજી હોટલની બાજુમાં 45 કરોડના ખર્ચે મેલેરિયા કેન્દ્ર સહિતનું બિલ્ડિંગ સાકાર લેશે
મહાનગરપાલિકાની ફુડ વિભાગ દ્વારા લેવામાં આવતાં ખાદ્ય પદાર્થના સેમ્પલ હાલ બરોડા સરકારી લેબમાં પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવી રહ્યાં છે જેનો રિપોર્ટ આવતાં એક માસ જેટલો સમય લાગી જાય છે. આથી અખાદ્ય પદાર્થ હોય ત્યારે ધંધાર્થીઓને સમયગાળો મળી રહેતો હોય છે તેવી જ રીતે સરકારી લેબોરેટરીમાં અન્ય નગરપાલિકાઓ અને પાલિકાઓનો રિપોર્ટનો ભરાવો હોવાથી સમયસર રિપોર્ટ મળી શકતા નથી. જેના લીધે સૌરાષ્ટ્ર માટે ફુડ લેબારેટરીની માંગ ઘણા સમયથી કરવામાં આવી હતી. જેને મંજુરી મળી જતાં હવે રૂા.45 કરોડના ખર્ચે વોર્ડ નં.10માં સૈયાજી હોટલની બાજુમાં આરોગ્ય કેન્દ્ર તથા મેલેરિયા સેન્ટર સહિતનું બિલ્ડીંગ તૈયાર થશે. હાલ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સૌરાષ્ટ્રની આઠ મહાનગરપાલિકાઓ તેમજ નગરપાલિકાઓના ફુડ વિભાગ દ્વારા લેવાતા ખાદ્ય પદાર્થના સેમ્પલોની લેબ ચકાસણી હાલ બરોડા ખાતે થઈ રહી છે.
આ એક માત્ર લેબમાં કાયમી સેમ્પલનો ભરાવો રહેતાં સમયસર રિપોર્ટ મળતો નથી જેના લીધે સૌરાષ્ટ્રમાં એક લેબારેટરીની જરૂરીયાત છે તેવી રજૂઆત સરકારમાં કરવામાં આવેલ. જેને મંજુરી મળ્યાનું જાણવા મળેલ છે. મહાનગરપાલિકાએ ફુડ લેબોરેટરી માટે વોર્ડ નં.10માં સૈયાજી હોટલની બાજુમાં આવેલ મનપાના પ્લોટની પસંદગી કરી છે. આ સ્થળ ઉપર ફુડ લેબોરેટરી ઉપરાંત આરોગ્ય કેન્દ્ર અને મેલેરિયા સેન્ટર પણ બનાવવામાં આવશે. રૂા.45 કરોડના એસ્ટીમેન્ટનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જે કાર્યવાહી પૂર્ણ થયા બાદ ફુડ લેબોરેટરીનું બાંધકામ શરૂ કરવામાં આવશે. આ મુદ્દે આરોગ્ય વિભાગનાં સુત્રોએ જણાવેલ કે રાજકોટ ઉપરાંત અન્ય મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓના ફુડ વિભાગ દ્વારા લેવાતા સેમ્પલની ચકાસણી હવે ઘર આંગણે થઈ શકશે.
તેવી જ રીતે સમયસર અખાદ્ય પદાર્થનો રિપોર્ટ મળવાથી વેચાણ કરતાં વિરૂધ્ધ પણ તુરંત પગલાં લઈ શકાશે. સૌરાષ્ટ્રની આઠ મહાનગરપાલિકાઓ તેમજ નગરપાલિકાઓને રાજકોટ ખાતે તૈયાર થનાર ફુડ લેબોરેટરીનો લાભ મળી શકશે. તેવી જ રીતે આ સ્થળ ઉપર તૈયાર થનાર મેલેરિયા સેન્ટરનો લાભ પણ રાજકોટ શહેર ઉપરાંત અન્ય મહાનગરપાલિકાઓને પણ મળવા પાત્ર છે.
