જામનગરના લોઠીયા ગામે ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા બાબતે યુવક પર હુમલો

જામનગર તાલુકાના લોઠીયા ગામમાં મેળાના આયોજન પહેલાં ડી.જે. ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતે ઝઘડો કર્યા બાદ જામનગરના એક યુવાન પર ચાર શખ્સોએ લોખંડના…

જામનગર તાલુકાના લોઠીયા ગામમાં મેળાના આયોજન પહેલાં ડી.જે. ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતે ઝઘડો કર્યા બાદ જામનગરના એક યુવાન પર ચાર શખ્સોએ લોખંડના પાઇપ તેમજ છરી સહિતના અન્ય ધારદાર હથિયારો વડે જીવણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. પોલીસે ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં વિનાયક પાર્ક વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા કપિલભાઈ વલ્લભભાઈ બાહુકિયા નામના 35 વર્ષના યુવાને પોતાના માથા ઉપર તેમજ શરીરના અન્ય ભાગોમાં લોખંડના પાઇપ, છરી સહિતના ધાર દાર હથિયારો વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા અંગે જામનગરના જયેન્દ્ર ઉર્ફે ઢીંગો માનસુરીયા, અનુ ઉર્ફે લાલો માનસુરીયા, તેમજ તેઓના બે અજાણ્યા સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.

ઇજાગ્રસ્ત યુવાનને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, અને તેની સઘન સારવાર ચાલી રહી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી જયેન્દ્ર માનસુરીયા તેમજ ફરિયાદી કપિલ ભાઈ ને જામનગર તાલુકાના લોઠીયા ગામમાં ડી.જે. ની લાઈટ ચાલુ રાખવા બાબતે સામાન્ય બોલા ચાલી અને ઝઘડો થયો હતો. તે વાતનું મન દુ:ખ રાખીને કપિલ બાહુકીયા જામનગરમાં ખંભાળિયા ગેઇટ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન હુમલાખોરોએ આવીને અચાનક તેના ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કરી દીધો હતો, જેથી તે લોહી લૂહાણ બન્યો હતો, અને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

જામનગરના સીટી એ. ડિવિઝનના પી.આઇ. એન. એ. ચાવડા અને તેઓની ટીમે તમામ આરોપીઓ સામે બી.એન.એસ. કલમ109(1),118(2),115(2),352,351(3),54 તથા જી.પી.એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધ્યો છે, અને હાલ તેઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ દ્વારા તમામ ની શોધખોળ ચલાવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *