ખંભાળિયામાં રામલલ્લાની ભવ્ય શોભાયાત્રાને ઠેર ઠેર ભવ્ય આવકાર

– પુષ્પવર્ષા સાથે મોટી સંખ્યામાં આગેવાનો, રામ ભક્તો જોડાયા –   મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પરંપરાગત શોભાયાત્રા ગઈકાલે ગુરુવારે ખંભાળિયા શહેરમાં નીકળી ત્યારે ધર્મમય…

– પુષ્પવર્ષા સાથે મોટી સંખ્યામાં આગેવાનો, રામ ભક્તો જોડાયા –

 

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પરંપરાગત શોભાયાત્રા ગઈકાલે ગુરુવારે ખંભાળિયા શહેરમાં નીકળી ત્યારે ધર્મમય માહોલ વચ્ચે ઠેર-ઠેર પુષ્પવર્ષા અને સ્વાગતના કાર્યક્રમોએ જાણે શહેરમાં અયોધ્યા જેવું વાતાવરણ ખડું કરી દીધું હતું.

ખંભાળિયાની જાણીતી હિન્દુ સેવા સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે રામનવમીના પાવન પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી રામની પરંપરાગત શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ગતસાંજે અહીંના શ્રી રામ મંદિર ખાતેથી નીકળી જુદા જુદા રાજમાર્ગો પર ફરી હતી. આધુનિક સાઉન્ડ સિસ્ટમમાં ભગવાન શ્રીરામ અને બજરંગબલીના ધાર્મિક ભજન ધૂન સાથે નીકળેલી ભગવાન શ્રીરામની આ પાલખીમાં ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા.

આ શોભાયાત્રા અહીંના લુહાર શાળ, ઝવેરી બજાર, મેઈન બજાર, જોધપુર ગેઈટ, શારદા સિનેમા રોડ, નગર ગેઈટ વિગેરે સ્થળોએથી નીકળી, ત્યારે માર્ગમાં વિવિધ સેવા સંસ્થાઓ, વેપારી મંડળો તેમજ સેવાભાવીઓ દ્વારા ઠંડા પીણા, આઈસ્ક્રીમ વિગેરેથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા પર ઠેર ઠેર પુષ્પવૃષ્ટિ સાથે જય શ્રી રામના ગગનભેદી નાદ સાંભળવા મળ્યા હતા. આ શોભાયાત્રામાં આકર્ષક પરિવેશ સાથે જોડાયેલા વિશાળ હનુમાનજી દર્શનીય બની રહ્યા હતા. આ સાથે પરંપરાગત પહેરવેશ ધારણ કરેલા બાળકો તેમજ બાળાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

ભગવાન શ્રીરામની આ શોભાયાત્રામાં અહીંના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ આ શોભાયાત્રામાં જોડાઈને પુષ્પવૃષ્ટિ કરી હતી. આ સાથે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ મોટાણી, કિર્તીભાઈ મહેતા (આર.એસ.એસ.), પ્રવીણસિંહ કંચવા, ઇન્દ્રજીતસિંહ પરમાર, મિલનભાઈ વારીયા, મોહિતભાઈ મોટાણી, ભરતભાઈ મોટાણી, રસિકભાઈ નકુમ, વિકીભાઈ રૂઘાણી (ફોન વાલે) વિજયભાઈ કટારીયા, નિકુંજભાઈ રાડીયા, મિલનભાઈ કિરતસાતા, જયસુખભાઈ પિંડારાવાળા, હસમુખભાઈ ધોળકિયા, લાલજીભાઈ ભુવા, રમણીકભાઈ રાડિયા, સહિત મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો અને હોદ્દેદારોએ જોડાઈને આ ભવ્ય આયોજનને સફળ બનાવ્યું હતું.

આ શોભાયાત્રા દરમિયાન અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતા, ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ પોલીસની ટીમ દ્વારા જરૂરી બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *