રાજકોટ નજીક ન્યારા પાસે યુવાન ઉપર હુમલો કરી 72 હજારની લૂંટ

પડધરી તાલુકાના ઈશ્વરીયાથી ન્યારા ગામ તરફ જવાના રસ્તે જી.એમ. કારખાનાના પાટીયા નજીક મોડી રાત્રે લૂંટની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. બે મોટરસાયકલ પર આવેલા…

પડધરી તાલુકાના ઈશ્વરીયાથી ન્યારા ગામ તરફ જવાના રસ્તે જી.એમ. કારખાનાના પાટીયા નજીક મોડી રાત્રે લૂંટની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. બે મોટરસાયકલ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ મારૂૂતિ સુઝુકી કેરી ગાડીના ચાલકની આંખમાં સ્પ્રે છાંટી, ઢીકાપાટુનો માર મારી રોકડ અને ચાંદીના દાગીના મળી કુલ રૂૂ. 72,300 ની મત્તાની લૂંટ ચલાવી હોવાનો બનાવ બન્યો છે. આ અંગે પડધરી પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઘટનાની વિગત : ન્યારા ગામે પ્રાથમિક શાળા સામે અને મચ્છો માતાના મંદિર બાજુમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા મોતીભાઇ હેમતભાઈ ચાવડીયા (ઉ.વ. 36) નામના યુવકે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તારીખ 12/10/2026 ના રોજ પોતાની મારૂૂતિ સુઝુકી કેરી ગાડી નં. જી.જે. 03 બી.ઝેડ. 4884 લઈને છાપરા ગામેથી ફેરો ભરીને જેતપુર ખાતે ગયા હતા.

જેતપુરથી ભાડાના રૂૂ. 2,800 તથા પોતાની પાસેના અન્ય રૂૂ. 7,000 મળી કુલ રૂૂ. 9,800 રોકડા લઈને તેઓ પરત પોતાના ઘરે ન્યારા આવવા નીકળ્યા હતા. રસ્તામાં મિત્રના ઘરે ચા-પાણી કરી તેઓ લોધિકા-ખીરસરા થઈને ઈશ્વરીયા તરફથી ન્યારા તરફ આવી રહ્યા હતા. રાત્રિના આશરે દશેક વાગ્યાના અરસામાં ઈશ્વરીયાથી ન્યારા તરફ જતાં રસ્તા પર જી.એમ. કારખાનાના પાટીયા પાસે પહોંચતા લાલ પટાવાળા સીડી ડીલક્ષ અને સ્પ્લેન્ડર મોટરસાયકલ પર આવેલા ત્રણ શખ્સોએ ફરિયાદીની ગાડીને બે-ત્રણ વખત ઓવરટેક કરી હતી. ત્યારબાદ સીડી ડીલક્ષના ચાલકે પોતાની ગાડી સમાંતર ચલાવી મોતીભાઇને ગાડી સાઇડમાં રાખવા કહ્યું હતું. મોતીભાઇએ ગાડી ઉભી ન રાખતા અજાણ્યા શખ્સે પોતાના હાથ વડે ગાડીની ડ્રાઇવર સાઇડનો કાચ તોડી નાખ્યો હતો.

જેથી ફરિયાદીએ ગાડી સાઇડમાં ઊભી રાખી નીચે ઉતરવાનો પ્રયાસ કરતા જ, આરોપીએ એકાએક તેમની આંખોમાં કોઈ સ્પ્રે છાંટી દીધો હતો, જેના કારણે તેમની આંખોમાં ભારે બળતરા થવા લાગી હતી. તે જ સમયે સ્પ્લેન્ડર બાઇક પર આવેલા અન્ય બે શખ્સોએ આવીને મોતીભાઇને પકડી ઢીકાપાટુનો માર માર્યો હતો. માલમત્તાની લૂંટ અને વાહનને નુકસાન: હુમલાખોરોએ ફરિયાદીના ખિસ્સામાંથી ફેરા ભાડાના તથા અંગત મળી કુલ રોકડા રૂૂ. 9,800 કાઢી લીધા હતા. આ ઉપરાંત તેમણે ફરિયાદીના જમણા હાથમાંથી આશરે 450 ગ્રામ વજનનું ચાંદીનું કડું કિં. રૂૂ. 60,000 તથા આશરે 30 ગ્રામ વજનની ચાંદીની વીંટી કિં. રૂૂ. 2,500 બળજબરીથી કાઢી લીધી હતી. હુમલાખોરોએ ફરિયાદીનો મોબાઇલ ફોન ખિસ્સામાંથી કાઢીને નજીકમાં ફેંકી દીધો હતો અને ગાડીનો આગળનો તથા ડ્રાઇવર સાઇડનો કાચ તોડી આશરે રૂૂ. 8,000 નું નુકસાન પહોંચાડી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

લૂંટારુઓ ભાગી ગયા બાદ મોતીભાઇએ નજીકમાં ફેંકાયેલો ફોન શોધી પોતાના ભાઈ વનરાજને રાત્રે 10:22 વાગ્યે બનાવ અંગે જાણ કરી હતી. જેના પગલે તેમના પરિવારજનો અને મિત્રો સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત મોતીભાઇને પડધરી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં પડધરી પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પડધરી પોલીસે ફરિયાદી મોતીભાઇ ચાવડીયાની ફરિયાદના આધારે ત્રણેય અજાણ્યા મોટરસાયકલ સવારો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની આગળની તપાસ પી.આઈ એમ.જી.ચૌહાણ ચલાવી રહ્યા છે.

સીસીટીવી ફૂટેજના આધારે પોલીસની અલગ અલગ ચાર ટીમ તપાસમાં લાગી
પડધરી નજીક ઈશ્વરીયાથી ન્યારા ગામ તરફ જવાના રસ્તા પર ગઈરાત્રે બનેલી સનસનાટીભરી લૂંટની ઘટનામાં પડધરી પોલીસે ભેદ ઉકેલવા તજવીજ તેજ કરી છે. ગાડી ચાલકની આંખમાં સ્પ્રે છાંટી રૂૂ. 72,300 ની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા ત્રણ અજાણ્યા બાઇક સવારોને ઝડપી પાડવા માટે પોલીસે ચાર અલગ-અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળ તેમજ ઈશ્વરીયા, ન્યારા, અને આસપાસના મુખ્ય માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ બારીકાઈથી ચકાસવામાં આવી રહ્યા છે. લૂંટારુઓ સીડી ડીલક્ષ અને સ્પ્લેન્ડર મોટરસાયકલ પર આવ્યા હોય, તે માર્ગ પરથી પસાર થયેલા શંકાસ્પદ વાહનોની મૂવમેન્ટ ટ્રેસ કરવામાં આવી રહી છે. એલસીબી અને પડધરી પોલીસ સ્ટેશનની વિશેષ ટીમો દ્વારા આ વિસ્તારના અગાઉના ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો તથા બાતમીદારોના નેટવર્કને સક્રિય કરી આરોપીઓનું પગેરું મેળવવા ઘેરાબંધી મજબૂત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *