શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બે હાલ થઈ હોય તેમ ક્રાઈમના ગ્રાફમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે વધુએક લોહીયાળ ઘટના ઘટી હતી. જેમાં રૂખડીયાપરા વિસ્તારમાં યુવતીને ઈન્સ્ટાગ્રામ મેસેજ કર્યાનો ખાર રાખી યુવતીના ભાઈ સહિતના ચાર શખ્સોએ યુવકને ચા પીવાના બહાને લઈ જઈ બેરહેમીથી માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. બાદમાં હત્યારા શખ્સો યુવકના મૃતદેહને તેના જ ઘર પાસે ફેંકીને નાસી છુટયા હતાં. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પોલીસે યુવકની હત્યા નિપજાવનાર કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર સહિત ચારેય શખ્સોને ઝડપી લીધા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રૂખડીયાપરા વિસ્તારમાં રહેતો અને કલર કામ કરતો ઉમંગ રણજીતભાઈ ઝાખેલીયા નામનો 23 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરના અઢી વાગ્યાના આસપાસ પાડોશમાં રહેતાં મિત્ર અખતરનો નાનો ભાઈ નાજીર તેને ચા પીવાના બહાને બાઈક પર બેસાડી ભગવતીપરા નદીના કાંઠે લઈ ગયો હતો. જ્યાં નાઝીર તેના ફેઈના પુત્ર આસીફ સહિતના અજાણ્યા શખ્સોએ ધોકા પાઈપ વડે બેરહેમીથી માર માર્યો હતો. બેભાન હાલતમાં ઢળી પડેલા ઉમંગ ઝાખેલીયાને આસીફ અને નાઝીર બાઈકમાં બેસાડી તેના ઘર પાસે ફેંકી દઈ નાસી છુટયા હતાં. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા યુવાન સારવાર મળે તે પૂર્વે જ દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. ઘટનાની જાણ થતાં પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ સહિતના ઉચ્ચ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયા હતાં.
પ્રાથમિક પુછપરછમાં મૃતક ઉમંગ ઝાખેલીયા બે ભાઈમાં મોટો હતો અને કલર કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. ઉમંગ ઝાખેલીયાએ હુમલાખોર નાજીરની બહેનને ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો હતો. જેની જાણ થતાં નાઝીરે તેના ફેઈના પુત્ર સહિતના બે મિત્ર સાથે મળી ઉમંગ ઝાખેલીયાને ચા પીવાના બહાને બહાર લઈ જઈ બેરહેમીથી માર મારી મોતને ઘાટ ઉતારી મૃતદેહને ઘર પાસે ફેંકી દીધો હતો. તે દરમિયાન ઉમંગના ઘરની બાજુમાં દુકાન ધરાવતાં વિજયભાઈએ બુમાબુમ કરતાં નાઝીર અને આસીફે તેને પણ ‘તું સામે આવીશ તો તને પણ મારી નાખશું તેવી ધમકી આપી નાસી છુટયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હત્યાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો હતો અને હત્યારા સુજલ કાળુભાઈ રામાવત (રહે.નરસંગપરા), ગુલાબ હુશેન ઉર્ફે આસીફ ઓસમાણભાઈ કકલ (રહે. રૂખડીયાપરા), નાઝીર ઉર્ફે ઘેટી જુસબભાઈ નગામણા (રહે. રૂખડીયાપરા) અને કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરને ઝડપી લીધા હતાં. પોલીસે ઝડપાયેલા ચારેય શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી કાનૂની તપાસનો દૌર લંબાવ્યો છે.
