શહેરમાં પોપટપરા વિસ્તારમાં રહેતો યુવાન જામનગરથી ટ્રેનમાં રાજકોટ આવતો હતો ત્યારે સાંઢીયા પુલ પાસે ચાલુ ટ્રેને નીચે પટકાયો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયો હતો. અજાણ્યા શખ્સે મોબાઈલ ઝુંટવી ધક્કો માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પોપટપરામાં રહેતો પરિન અહેમદભાઈ સમા નામનો 38 વર્ષનો યુવાન સોમનાથ જબલપુર ટ્રેનમાં બેસી જામનગરથી રાજકોટ આવતો હતો ત્યારે સાંઢીયા પુલ પાસે ચાલુ ટ્રેને નીચે પટકાયો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ઈજાગ્રસ્ત યુવાન દારૂના નશામાં ટ્રેનના દરવાજે બેઠો હતો ત્યારે અજાણ્યા શખ્સે મોબાઈલ ઝુંટવી ધક્કો મારી દીધો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત જુદા જુદા બે સ્થળે બે લોકોએ જવલનશીલ પ્રવાહી પી લીધા હોવાની ઘટના સામે આવી છે. જેમાં રૈયા ગામમાં રહેતી સીમાબેન ઈમરાનભાઈ મૌવર નામની 37 વર્ષની પરિણીતાએ ફિનાઈલ અને નહેરૂનગર આહીર ચોકમાં રહેતાં રાકેશ રઘુભાઈ ચૌહાણ (ઉ.25)એ પત્ની સાથે ઝઘડો થતાં સિંદૂર પી લીધું હતું. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
