રાજકોટમાં કારખાનામાં ચોરીનું આળ મૂકી શ્રમિકની હત્યા

કોપર વાયર ચોર્યાના આક્ષેપ સાથે કારખાનેદાર સહિત નવ શખ્સોએ એક કલાક સુધી ધોકા પાઇપથી યુવકને ઢોર માર મારતા નીપજ્યું મોત કાવ્યા એલોય પ્રાઇવેટ લિમિટેડ કારખાનાની…

કોપર વાયર ચોર્યાના આક્ષેપ સાથે કારખાનેદાર સહિત નવ શખ્સોએ એક કલાક સુધી ધોકા પાઇપથી યુવકને ઢોર માર મારતા નીપજ્યું મોત

કાવ્યા એલોય પ્રાઇવેટ લિમિટેડ કારખાનાની ઘટના: ફેક્ટરીના ગેઇટ પાસે ખાટલા પર બાંધીને બેફામ માર માર્યો

રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મઘરવાડા ગામની હદમાં કાવ્યા એલોય પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાં એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કારખાનામાંથી કોપરનો વાયર ચોરી કરી જવાના મામલામાં શંકા રાખીને કારખાનાના મેનેજર, શેઠના પુત્ર અને અન્ય કર્મચારીઓ દ્વારા એક શ્રમિક યુવક પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આઘાતજનક બાબત એ છે કે યુવકને કારખાનાના ગેઇટ પાસે ખાટલા પર ઊંધો સુવડાવીને દોરડાથી બાંધી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ પ્લાસ્ટિકની નળી તેમજ મશીનના પટ્ટાઓથી બેરહેમીપૂર્વક ઢોર માર મારવામાં આવ્યો હતો,જેના કારણે ગંભીર ઇજાઓ થવાથી યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

ફરીયાદી સર્વેશ સુશીલકુમાર ચૌહાણ (ઉ.વ. 20) કે જેઓ મઘરવાડા ખાતે કાવ્યા એલોય કારખાનામાં મજૂરી કામ કરે છે, તેમણે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તેમના ભાઈ ચંદ્રવીર ભગવતી ચૌહાણ (ઉ.વ. 40) પણ તે જ કારખાનામાં નોકરી કરતા હતા. ગત 21 જુલાઈ 2026ના રોજ રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં ચંદ્રવીર કામ પૂરું કરીને રાજકોટ જવાનું કહીને બહાર નીકળ્યા હતા. ત્યારબાદ રાત્રિના દોઢેક વાગ્યાના સુમારે કારખાનાના મેનેજર સનીભાઈ રૈયાણી અને પાર્થભાઈ હાપલીયા ફરિયાદીની ઓરડી પર આવ્યા હતા અને તેને મોટરસાયકલ પર બેસાડીને કુવાડવા ગામ તરફ લઈ ગયા હતા. રસ્તામાં એક દુકાન પાસે ચંદ્રવીર બેઠેલા હતા અને તેમની પાસે તપાસ કરતા આશરે 35 કિલો વજનનો કોપરનો તાર ભરેલો પ્લાસ્ટિકનો કોથળો મળી આવ્યો હતો. આ માલ ચોરીનો હોવાનું માનીને તેઓ ચંદ્રવીરને પરત કારખાના પર લઈ આવ્યા હતા અને ગાભા ખાતામાં મૂકી દીધા હતા.

બીજા દિવસે એટલે કે 22 જુલાઈ 2026ના સવારે આઠ વાગ્યાના સુમારે જ્યારે ફરિયાદી કામે પહોંચ્યા ત્યારે કારખાનાના ગેઇટ પાસે રોડ પર શેઠ ભાવેશભાઈ લીંબાસીયાના પુત્ર સાહિલભાઈ, મેનેજર શનીભાઈ રૈયાણી, પાર્થભાઈ હાપલીયા, ડેનીશભાઈ હાપલીયા, સત્યમભાઈ ડોબરીયા, રમેશ સિદ્ધાર્થ, વિશાલ જાટપ, રાજુ ઠાકોર, મુન્ના વર્મા અને અન્ય અજાણ્યા શખ્સોએ ચંદ્રવીરને ખાટલા પર ઊંધો સુવડાવીને દોરડાથી બાંધી રાખ્યો હતો. આ તમામ લોકો ચંદ્રવીરને આડેધડ માર મારી રહ્યા હતા અને પૂછી રહ્યા હતા કે ચોરીમાં તેની સાથે અન્ય કોણ સામેલ હતું. ફરિયાદીએ ત્યાં પહોંચીને નિર્દોષતા જણાવી હતી અને આજીજી કરી હતી કે હવે વધુ માર ન મારશો નહિતર યુવકનું મોત થઈ જશે.

પરંતુ આરોપી સાહિલભાઈએ ઉદ્ધતાઈપૂર્વક જણાવેલ કે “આજ તો આને ચોરીની સજા આપવી જ છે,” અને આરોપીઓએ વારાફરતી પ્લાસ્ટિકની નળી તથા મશીનના પટ્ટાથી નિર્દયતાપૂર્વક મારવાનું ચાલુ રાખ્યું હતું.લગભગ એક કલાક સુધી સતત ચારેય બાજુથી માર મારવાના કારણે ચંદ્રવીર બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ આરોપીઓએ તેમને ઓરડીમાં સૂવડાવી દીધા હતા અને ફરિયાદીને પાણી પાવા મોકલ્યો હતો. નજીક જઈને જોતા ચંદ્રવીર સંપૂર્ણપણે બેભાન અને અચેત અવસ્થામાં હતા અને કોઈ પ્રતિક્રિયા આપતા ન હતા.

આ બાબતની જાણ શેઠના પુત્ર અને મેનેજરને કરતા તેઓ સ્થળ પર આવ્યા હતા અને ત્યારબાદ શેઠ ભાવેશભાઈને જાણ કરવામાં આવી હતી. શેઠ દ્વારા 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવતા તબીબોએ તપાસીને ચંદ્રવીરને મૃત જાહેર કર્યા હતા. આ ગંભીર ઘટનાની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ. એન. જાની તથા અન્ય પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ફરિયાદી સર્વેશ ચૌહાણની ફરિયાદના આધારે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) (હત્યા), 115(2), 189(2), 190, 191(2) (ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરવો) તથા જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કારખાનાના માલિકના પુત્ર સાહિલભાઈ લીંબાસીયા, મેનેજર શનીભાઈ રૈયાણી, પાર્થભાઈ હાપલીયા, ડેનીશભાઈ હાપલીયા, સત્યમભાઈ ડોબરીયા, રમેશ સિદ્ધાર્થ, વિશાલ જાટપ, રાજુ ઠાકોર અને મુન્ના વર્મા વિરુદ્ધ સઘન તપાસ શરૂૂ કરવામાં આવી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *