ત્રણ શ્રમિકને જોરદાર વીજ શોક લાગ્યો હતો, બેને સારવારમાં ખસેડાયા
રાજકોટ જિલ્લાના જેતપુરના ધોરાજી રોડ પર શ્રીમદ ભાગવત સત્સંગ મહોત્સવના મંડપ ઉતારતી વખતે ગંભીર દુર્ઘટના બની હતી. લોખંડનો ઘોડો હાઈટેન્શન વીજ લાઇનને અડી જતાં 28 વર્ષીય શ્રમિક સન્ની કુમાર સરોજનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા.
સોજીત્રા પરિવાર દ્વારા આયોજિત આ મહોત્સવ સંપન્ન થયા બાદ મંડપ અને ડોમ ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. મજૂરો લોખંડનો ઘોડો (સીડી/સ્ટ્રક્ચર) એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી રહ્યા હતા ત્યારે ઉપરથી પસાર થતી વીજ લાઇન સાથે તેનો સંપર્ક થયો હતો.
વીજ લાઇનને અડકતા જ ત્રણેય મજૂરોને જોરદાર વીજ શોક લાગ્યો હતો. આ અકસ્માતમાં સન્ની કુમાર સરોજનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. તેની સાથે કામ કરી રહેલા મંજિત કુમાર પ્રેમજીત સરોજ અને શિવ કુમાર મનીલાલ સરોજને ઈજા થતાં તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ જેતપુર પોલીસ અને વીજ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતક શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનાને પગલે શ્રમિક પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
