રોયલ પાર્કમાં નવી બનતી બિલ્ડિંગ સાઇટ પર સાતમા માળેથી પટકાતા શ્રમિકનું મોત

શહેરના યુનિવર્સિટી રોડ પર ઇન્દિરા સર્કલ પાસે રોયલ પાર્કમાં નવી બનતી બિલ્ડિંગ સાઇટ પર કામ કરતા શ્રમિક આધેડનું અકસ્માતે સાતમાં માળેથી પટકાતા ગંભીર ઇજા થવાથી…

શહેરના યુનિવર્સિટી રોડ પર ઇન્દિરા સર્કલ પાસે રોયલ પાર્કમાં નવી બનતી બિલ્ડિંગ સાઇટ પર કામ કરતા શ્રમિક આધેડનું અકસ્માતે સાતમાં માળેથી પટકાતા ગંભીર ઇજા થવાથી મોત નિપજ્યુ છે. પ્રિય દર્શન સોસાયટીમાં રહેતા આધેડ સેન્ટ્રીંગ કામ કરતા હતા. ત્યારે અકસ્માતે પડી જતા આ બનાવ બન્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ 80 ફૂટ રોડ પર આવેલી પ્રિયદર્શન સોસાયટીમાં રહેતા હસમુખભાઇ શામજીભાઇ ભરડવા (ઉ.વ.46)નામના આધેડ આજે સવારે 10 વાગ્યાના અરસામાં ઇન્દિરા સર્કલ પાસે રોયલ પાર્ક શેરી નં.8માં ડાયમંડ ગૃપની પરમભાઇની નવી બનતી બિલ્ડિંગ સાઇટ પર સેન્ટ્રીંગનું કામ કરતા હતા. દરમિયાન અકસ્માતે સાતમાં માળેથી નિચે પટકાતા તેમને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલાથી તેમનું મોત નિપજ્યુ હતું.

આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક હસમુખભાઇ ત્રણભાઇમાં મોટા અને તેમને સંતાનમાં ત્રણ પુત્ર હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવથી પ્રજાપતિ પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. ઉલ્લેખનીય છે કે, નવી બનતી સાઈટ પર કોન્ટાક્ટર દ્વારા શ્રમિકો માટે સેફ્ટીના સાધનો રાખવાની જોગવાઈ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *