સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત પાછળ મહિલાનું બ્લેકમેઈલિંગ કારણભૂત હોવાનો ઘટસ્ફોટ

દુકાન અને મિલકત પણ પડાવ્યાનો ખુલાસો, ગુનો નોંધવા તૈયારી જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ મહિલાના બ્લેક મેઈલિંગથી આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો હોવાનું જાણવા…

દુકાન અને મિલકત પણ પડાવ્યાનો ખુલાસો, ગુનો નોંધવા તૈયારી

જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ મહિલાના બ્લેક મેઈલિંગથી આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો હોવાનું જાણવા મળ્યું છે. 1 ફેબ્રુઆરીએ પોતાની લાઈસન્સ વાળી રિવોલ્વર વડે જાતે લમણે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. બિલ્ડરના આપઘાત પાછળ શરૂૂઆતમાં પારિવારિક ઝઘડો હોવાનું સામે આવ્યું હતું. જો કે હવે આ ચર્ચાસ્પદ આત્મહત્યા કેસમાં એક મહિલાએ તેમને ફસાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

તુષાર ઘેલાણીના પરિવારજનો તેમની ઉત્તરક્રિયાની વિધિમાં વ્યસ્ત છે. ઉત્તરક્રિયા વિધિ પૂર્ણ થયા પછી પોલીસ બિલ્ડરના પરિવારજનોનાં નિવેદનો લઈને આત્મહત્યાની દુષ્પેરણાનો ગુનો નોંધવા માટે તજવીજ કરે તેવી શક્યતા છે. બિલ્ડર તુષાર ઘેલાણીની દીકરીના 5 ફેબ્રુઆરીએ લગ્ન થવાના હતા. જો કે, તે પહેલાં જ તુષાર ઘેલાણીએ 1 ફેબુઆરીએ પોતાની લાઈસન્સ વાળી રિવોલ્વરથી લમણામાં ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં તેમના પરિવારજનો સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં 5 દિવસની સારવાર બાદ તુષાર ઘેલાણીનું મૃત્યુ થયું હતું. જે દિવસે દીકરીના લગ્ન થવાના હતા તે જ દિવસે લગ્નને બદલે ઘરેથી પિતાની અર્થી નીકળી હતી. આ ચકચારિત કેસમાં હાલ સુધી તુષાર ઘેલાણીએ આપઘાત શા માટે કર્યો તે અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું ન હતું.

જો કે, પોલીસ તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં એક મહિલા તુષાર ઘેલાણીને બ્લેકમેલિંગ કરતી હોવાની વાત સામે આવી રહી છે. મહિલાએ બિલ્ડર પાસેથી દુકાનથી માંડીને અમુક મિલકતો પણ પડાવી હોવાનું મનાય છે. તુષાર ઘેલાણી આ મહિલાથી છુટકારો મેળવવા માંગતા હતા, પરંતુ મહિલા પીછો છોડતી ન હતી. વળી, દીકરીના લગ્નમાં આ મહિલાએ હોબાળો કરવાની પણ ધમકી આપી હતી. આથી તુષાર ઘેલાણીએ બદનામી થવાના ડરને કારણે આપઘાત કર્યો હોય તેવી માહિતી તપાસમાં મળી હતી.

આ કેસમાં હાલમાં પોલીસ તુષાર ઘેલાણીના પરિજનોના નિવેદનોની રાહ જોઈ રહી છે. આગામી 2-3 દિવસમાં આ મામલે ગુનો દાખલ થાય તેવી પોલીસે શક્યતા વ્યક્ત કરી હતી. અત્રે, ઉલ્લેખનીય છે કે, તુષાર ઘેલાણી આ મહિલાનો પીછો છોડવા માંગતા હતા પણ મહિલા તેમને મચક આપતી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *