ગોંડલના મોવિયા ગામે મૂક બધીર મહિલા ઉપર દુષ્કર્મ

ગોંડલ તાલુકાના મોવિયા ગામે એક અત્યંત શરમજનક અને ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. મોવિયા ગામમાં રહેતી એક અસહાય મુક-બધીર મહિલા ઉપર તેના જ ગામમાં…

ગોંડલ તાલુકાના મોવિયા ગામે એક અત્યંત શરમજનક અને ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. મોવિયા ગામમાં રહેતી એક અસહાય મુક-બધીર મહિલા ઉપર તેના જ ગામમાં દરજી કામ કરતા એક નરાધમે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે રોષની વ્યાપી ગયો છે. આ મામલે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં સત્તાવાર રીતે ગુનો નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની અટકાયત કરી લીધી છે.

મળતી માહિતી મુજબ, ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતી એક મુક-બધીર મહિલા પોતાના ઘરે એકલી હતી, ત્યારે આ લાચારીનો લાભ ઉઠાવીને ગામમાં જ દરજી કામ કરતો ગીરીશ ભીખુ જેઠવા નામનો શખ્સ મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો. નરાધમ ગીરીશ જેઠવાએ મહિલાની શારીરિક માનસિક અક્ષમતાનો ગેરલાભ ઉઠાવી તેના પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ શારીરિક શોષણ અને દુષ્કર્મની ઘટના બની રહી હતી, તે જ સમયે મહિલાના જેઠ અચાનક ઘરે આવી પહોંચ્યા હતા. મહિલાના જેઠે આરોપી ગીરીશ ભીખુ જેઠવાને મુક-બધીર મહિલા સાથે દુષ્કર્મ આચરતા રંગેહાથ ઝડપી લીધો હતો.

મહિલાના જેઠને જોઈ જતાં જ પોતાની પોલ ખૂલી જવાની ભીતિથી આરોપી ગીરીશ ભીખુ જેઠવા ગભરાઈ ગયો હતો અને તકનો લાભ ઉઠાવીને મહિલાના ઘરેથી સીધો ભાગી છૂટ્યો હતો. આ ઘટના બાદ મહિલાના જેઠ અને પરિવારજનોએ મુક-બધીર મહિલાની ઈશારાથી તથા પૂછપરછ કરતા સમગ્ર કાળી કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. પીડિત મહિલાએ પોતાની આપવીતી જણાવતા પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા.

આ ગંભીર અને અમાનવીય બનાવ અંગે પીડિત મહિલાના પરિવારજનો દ્વારા તાત્કાલિક ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ગોંડલ તાલુકા પોલીસે પીડિત પરિવારની ફરિયાદના આધારે આરોપી ગીરીશ ભીખુ જેઠવા વિરુદ્ધ દુષ્કર્મ સહિતની કડક કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદ નોંધાતા જ સક્રિય થયેલી ગોંડલ તાલુકા પોલીસે તાત્કાલિક ચક્ર ગતિમાન કર્યા હતા અને મોવિયા ગામેથી જ આરોપી ગીરીશ ભીખુ જેઠવાની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપી સામે કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ ચલાવી છે.

એક અસહાય અને મુક-બધીર મહિલા સાથે થયેલા આ કુકર્મથી સમગ્ર મોવિયા ગામ તથા ગોંડલ પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. દરજી કામ કરતા ગીરીશ જેઠવાની આ હલકી માનસિકતા અને કુકૃત્ય સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો અને પરિવારજનો દ્વારા આવા નરાધમ આરોપી સામે સખતમાં સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને પીડિત મહિલાને યોગ્ય ન્યાય મળે તેવી આક્રોશપૂર્વક માંગ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *