છોકરાઓ વચ્ચેના સામાન્ય ઝઘડામાં સહકર્મચારીની પત્નીએ દસ્તાના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ લાશ સૂટકેસમાં ભરી ફેંકી દીધી હતી
ભારે ચકચારી બનેલા કેસમાં 29 વર્ષ બાદ ધોરાજી કોર્ટનો ચુકાદો
ધોરાજી ભાદર કોલોની ક્વાર્ટર્સમાં રહેતા સ્ટાફના બાળકો વચ્ચે થયેલા નાના ઝઘડાનો ખાર રાખી જલદીપ ગિરધરભાઈ કોઠીયા નામના બાળકની હત્યા કરવાના ચકચારી કેસમાં ધોરાજી કોર્ટના એડિશનલ સેશન્સ જજ અલી હુસૈન મોહીબુલ શેખે આરોપી અરુણા ઉર્ફે અનિતા રાજેશ દેવમુરારીને આજીવન કેદની સજા ફટકારી છે.
આ કેસની હકીકત મુજબ, વર્ષ 1996ના આ બનાવમાં ધોરાજી ભાદર ઇરિગેશન આધુનિકીકરણ કોલોની સ્ટાફ ક્વાર્ટર નંબર 4 એ.માં આર. એમ. કાનાબાર, ક્વાર્ટર નંબર 5 એ.માં ગિરધરભાઈ સી કોઠીયા અને ક્વાર્ટર નંબર 6 એ.માં રાજેશકુમાર હરકિશન દેવમુરારી રહેતા હોઇ, બધા કર્મચારીઓના બાળકો સમાન ઉંમર જેવા હોય તેમના બાળકો વચ્ચે થયેલા નાના ઝઘડાનો ખાર રાખીને રાજેશ દેવમુરારીના પત્ની અનિતા ઉર્ફે અરુણાએ તારીખ 5/ 8/ 1996ના રોજ ગિરધરભાઈ કોઠીયાના દિકરા જલદીપ ગિરધરભાઈ કોઠીયાને ઘરમાં બોલાવી અને ગળાચીપ દઈ મારી નાખેલ, જેમાં એક તબક્કે જલદીપને રસોડામાં લઈ જઈ અને દસ્તાથી તેનું માથું છુંદી નાખ્યા બાદ મૃતદેહને પોતે એક સૂટકેસમાં નાખી દીધો હતો.
બાદમાં સાંજે જ્યારે રાજેશભાઈ દેવમુરારી ઘરે આવ્યા ત્યારે તેમને થોડી લોહી જેવી વાસ આવેલી એટલે તરત જ પોતાના પત્ની અરુણા ઉર્ફે અનિતાને પૂછેલું કે કંઈક જુદી વાસ ઘરમાંથી આવે છે. તો તેમણે કહેલ કે મેં જલદીપનું ખૂન કરી નાખેલ છે તમે ઝડપથી અગરબત્તી લઈ આવો. સમય સૂચકતા વાપરી અને પોતાના પત્ની ઉપર કાળ સવાર થઈ ગયો છે તે હકીકત સમજી રાજેશભાઈ તરત જ ઘરમાંથી બાળકો માટે નાસ્તો અને અગરબત્તી લેવાનું કહી અને જેતપુર પોતાના સાસરે જતા રહેલા. સમાંતર ધોરણે જલદીપ મળી રહ્યો ન હતો, તેથી તેના પિતા ગિરધરભાઈ સાથી કર્મચારી રાજુભાઈ કાનાબાર અને અન્ય લોકો તેની શોધખોળમાં લાગી ગયા હતા. અને ધોરાજી પોલીસ સ્ટેશન જઈ રાત્રે 8:30 વાગો ગુમશુદા ફરિયાદ પણ લખાવી હતી. તે દરમિયાન અનિતા ઉર્ફે અરુણાએ મોકો જોઈ અને જલદીપના શબને પોતાના ક્વાર્ટરની પાછળ ની બાજુએ સરકાવી દીધેલ, પરંતુ કહેવત છે કે સત્ય છાપરે ચડીને પોકારે. બસ આ જ રીતે જે શબ સરકાવી રહ્યા હતા તે નીચેના ક્વાર્ટરમાં રહેતા કાનજીભાઈ કોયાણી જોઈ ગયેલા, અને તેમણે નજીક જઈને જોયું તો આ શબ જલદીપનું હતું અને તેના શરીર ઉપર પ્રાણઘાતક ઇજાઓ હતી, આથી તેઓ ડખાઈ ગયા અને તરત જ પરત આવી પોતાના પત્નીને આ વાત કરી, બહાર નીકળી અને ગિરધરભાઈ તથા અન્ય લોકો જે શોધખોળ કરી રહ્યા હતા તેમને વાત કરી.
તાત્કાલિક પોલીસ સ્ટેશન જાણ થતાં તત્કાલીન પોલીસ અધિકારી નટવરલાલ પુરુષોત્તમભાઈ પરમારે ગણતરીની મિનિટોમાં હાજર થઈ અને સબ પરીક્ષણ માટે ઇન્કવેસ્ટ પંચનામું કરેલું. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને મોકલ્યો હતો. જેમાં પોસ્ટ મોર્ટમ કરનાર ડો. પરેશાબેન બાલુભાઈ પટેલે રિપોર્ટમાં જલદીપના શરીર ઉપર દસ્તા જેવા આશરે 10 થી વધારે ઘા, માથા અને ગળાના ભાગે પણ નિશાન હોવાનું નોંધી અને જલ્દીપનું મૃત્યુ ગળાચીપ આપીએ અને માથામાં થયેલી હેમેઝિક એન્જરીથી થયેલ હોવાનું અભિપ્રાય આપેલો. આ દરમિયાન પોલીસે અરુણા ઉર્ફે અનિતા રાજેશ દેવમુરારીની ધરપકડ કરી લીધેલી હતી. આ અરુણાબેને હત્યા કરતી વખતે પહેરેલું જાંબલી કલરનું ગાઉન ધોઈ નાખેલું હતું. પરંતુ પોલીસે તેમના કપડાં, પાટલા (હાથમાં પહેરવાના), આંગળીઓના નખ વગેરે પોલીસે કબજે કર્યા હતા. તેમાં એફએસએલ અધિકારી ગામેતી દ્વારા મુદામાલ ઉપરાંત મરણ જનારના ચપ્પલ, તથા ઘરનું રાચ રચીલું, ફર્નિચરમાંથી લોહીના અવશેષ ફોરેન્સિક તપાસ કરી હતી.
ધોરાજી સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલવા ઉપર આવતા સમગ્ર પુરાવો નોંધાયેલ અને કુલ 17 લોકોની જુબાની થયેલી હતી. આ જુબાની બાદ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય મનોજભાઈ પારેખે દલીલો કરેલી હતી કે, આરોપી સામે સંયોગીક પુરાવો નક્કર છે. અને પુરાવાની કડી પણ મળી રહી છે. આરોપીનું પોતાના પતિ સમક્ષ એક્સ્ટ્રા જ્યુડિશિયલ ક્ધફેશન છે કે પતેમણે જલદીપ નું ખૂન કરેલું છેથ અને આ એક્સ્ટ્રા જ્યુડિશિયલ ક્ધફેશનમાં મોટીવ પણ જણાવેલો છે. ફોરેન્સિક તપાસનો રિપોર્ટ પણ આરોપી તરફ આંગળી ચીંધે છે. આ તમામ સંજોગોને ધ્યાને લેતા ધોરાજીન એડિશનલ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલના શેખે આરોપી અરુણા ઉર્ફે અનિતા રાજેશ દેવમુરારીએ સાપરાધ મનુષ્યવધ કરેલ હોવાનું માનીને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં સરકાર પક્ષે મદદની સરકારી વકીલ કાર્તિકેય પારેખ રોકાયા હતા.
