ડીસમીસના ઘા ઝીંકી મારી નાખવાની ધમકી આપી, ગુનો નોંધાયો
શહેરના ઈસ્કોન મંદિર પાસે આદિત્ય હાઉસિંગ સોસાયટીમાં રહેતી અફરોઝ ઈલ્યાસ આરબિયાણી (ઉ.વ.37) તેના પુત્રને મળવા મધ્યસ્થ જેલમાં ગઈ હતી ત્યારે નામચીન ત્રણ શખ્સોએ કારણ વગર ગાળો દઈ, ધમકી આપ્યાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્ર.નગર પોલીસે અફરોઝની ફરિયાદ પરથી નામચીન દિનેશ ઉર્ફે બચુ અરવિંદભાઈ ગોહેલ, શરદ દિલીપભાઈ (રહે. બંને બાબરિયા કોલોની આવાસ કવાર્ટર) અને ચિરાગ ઉર્ફે બકાલી રાજેશભાઈ મકવાણા સામે ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી હતી.અફરોઝબેને પોલીસને જણાવ્યું હતું કે ગઈકાલે તે મધ્યસ્થ જેલમાં તેના પુત્ર શેફ કે જે જેલમાં હોય તેને મળવા ગઈ હતી.પુત્રને મળીને તે બહાર નીકળતી હતી ત્યારે આરોપી દિનેશ ઉર્ફે બચુએ આને બહાર નીકળવા દે પછી જોઈ લેશું તેમ કહ્યું હતું.
બાદમાં તે બહાર નીકળતાં આરોપી ચિરાગ ઉર્ફે બકાલી અને શરદે તેને કારણ વગર ગાળો આપી તને ડીસમીસના ઘા મારીને પતાવી દેવી છે તેવી ધમકી આપી હતી. આ સમયે લોકો એકઠા થઈ જતાં ત્રણેય ત્યાંથી ભાગી ગયા હતા.
હાલ પ્ર.નગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
