અમરેલી સિવિલ હોસ્પિટલમાં ગર્ભાશયના ઓપરેશન બાદ એક મહિલાનું શંકાસ્પદ રીતે મોત થયું છે. મૃતદેહને ભાવનગર ફોરેન્સિક રિપોર્ટ માટે મોકલવામાં આવ્યો છે, પરંતુ પરિવારજનોએ રિપોર્ટ ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરાળા ગામની મહિલાને 16મી તારીખે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ગર્ભાશયનું ઓપરેશન થયા બાદ 19મી તારીખે તેમનું શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું હતું. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. મૃતક મહિલાના પતિ હરેશભાઈએ જણાવ્યું કે, તેમની પત્નીને ગર્ભાશયના ઓપરેશન માટે લાવવામાં આવ્યા હતા. તેમણે ઉપરથી ઓપરેશન કરવાનું કહ્યું હતું, પરંતુ નીચેથી ઓપરેશન કરવામાં આવ્યું. તેમને શંકા છે કે નસ કપાઈ ગઈ હશે, જેના કારણે લોહી જમા થયું. ત્યારબાદ તેમને ઈંઈઞમાં લઈ જઈ ફરી ઓપરેશન કરાયું, પરંતુ 19મી તારીખે તેમનું અવસાન થયું.
પરિવાર ફરજ પરના ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી રહ્યો છે અને જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. સિટી પોલીસ સ્ટેશનમાં આ શંકાસ્પદ મહિલાના મોત મુદ્દે માત્ર એડી (એક્સિડેન્ટલ ડેથ)ની નોંધ કરવામાં આવી છે. અમરેલી સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. આર.એમ. જીત્યાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, મહિલાના મોત અંગે મૃતદેહને ભાવનગર પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. રિપોર્ટ પોલીસ પાસે આવશે અને હાલ આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. અમરેલીના DYSP ચિરાગ દેસાઈએ માહિતી આપી હતી કે, સિટી પોલીસ સ્ટેશનમાં એડીની નોંધ કરવામાં આવી છે. મૃતકનો ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.
