ખંભાળિયા – જામનગર હાઈવે પર અત્રેથી આશરે 11 કિલોમીટર દૂર કજૂરડા ગામના પાટીયા પાસેથી જી.જે. 37 ક્યુ 3709 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને વાડીનારથી ખંભાળિયા તરફ જઈ રહેલા રફિકભાઈ તથા ફિરોઝાબેન નામના દંપતીના મોટરસાયકલ સાથે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક બજાજ રિક્ષાના ચાલકે સામેથી ઠોકર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા આ દંપતીને વધુ સારવાર જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફિરોજાબેનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમના પતિ રફિકભાઈને વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને આરોપી રિક્ષા ચાલક નાસી છૂટ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે મૃતક ફિરોજાબેનના નાનાભાઈ અમીનભાઈ દાઉદભાઈ ચમડિયા (ઉ.વ. 26, રહે. વાડીનાર) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે બજાજ રિક્ષાના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
માનસિક બીમારી: ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર આવેલી ગુલાબ નગર ટેકરી વિસ્તારમાં રહેતા જેતૂનબેન ગફારભાઈ વડગામા નામના વૃદ્ધ મહિલા છેલ્લા પાંચેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોય અને તેમની જામનગર તથા રાજકોટની હોસ્પિટલની ચાલી રહેલી સારવાર વચ્ચે આ બીમારીથી કંટાળીને તેમણે મંગળવાર તા. 24 મી ના રોજ પોતાના ઘરે પોતાના હાથે લાકડામાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ ગુલામ મુસ્તફા ગફારભાઈ વડગામાએ અહીંની પોલીસને કરી છે.
કેન્સર: ઓખા મંડળના વરવાળા વિસ્તારમાં રહેતા નીતિનભાઈ રવજીભાઈ પાણખાણીયા નામના 42 વર્ષના પ્રજાપતિ યુવાન છેલ્લા આઠેક મહિનાથી કેન્સરની બીમારીથી પીડાતા હોય, આ બીમારીથી કંટાળીને તેમણે પોતાના ઘરે પોતાના હાથે પેટ્રોલ છાંટીને દીવાસળી ચાંપી લેતા તેમનું ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ કપિલભાઈ રવજીભાઈ ગોહેલ (ઉ.વ. 35) એ દ્વારકા પોલીસને કરી છે.
