પોલીસે તપાસ કરતા રાજકોટથી સગીરાને હેમખેમ શોધી કાઢી
અભ્યાસ બાબતે પિતાએ ઠપકો આપતા સગીરા ઘરેથી નીકળી ગઈ હતી. જોકે પોલીસે ટેકનિકલ સોર્સના આધારે રાજકોટથી શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા એક પરિવારની 15 વર્ષીય પુત્રી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાને લઈને પિતાએ અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા ખોટું લગાડીને ઘરેથી નીકળી ગઈ હતી. પુત્રી મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા ચિંતિત પરિવારે સી-ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો હતો. બનાવની ગંભીરતા સમજી પીઆઈ એ. બી. ગોહિલ અને તેમની ટીમે તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે પોલીસને બાતમી મળી હતી કે સગીરા રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે આવેલી પી.ડી. માલવીયા કોલેજ નજીક એકલી બેઠેલી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢી તેના પરિવારને સોંપી આપી હતી. પોલીસે વાલીઓને ખાસ અપીલ કરી હતી કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને બાળકો પર પરીક્ષા બાબતે કોઈપણ પ્રકારનું માનસિક દબાણ ન કરવું જોઈએ.
