અમને પુછયા વગર ધારાસભ્યો-સાંસદોએ બારોબાર ટિકિટોનો ‘વહીવટ’ કરી નાખ્યો; જૂના જોગીઓએ ઠાલવ્યો ઉકળાટ

ઉમેદવારો નક્કી કરવામાં સ્થાનિક આગેવાનોની સંપૂર્ણ બાદબાકી, વફાદારોને ટિકિટ અપાવવા વોર્ડ બદલી નખાયા, જ્ઞાતિના સમીકરણોનો પણ ઉલાળિયો ઓબીસીમાં 120 જ્ઞાતિ છતાં આહીરોને વધુ ટિકીટ, વોર્ડ…

ઉમેદવારો નક્કી કરવામાં સ્થાનિક આગેવાનોની સંપૂર્ણ બાદબાકી, વફાદારોને ટિકિટ અપાવવા વોર્ડ બદલી નખાયા, જ્ઞાતિના સમીકરણોનો પણ ઉલાળિયો

ઓબીસીમાં 120 જ્ઞાતિ છતાં આહીરોને વધુ ટિકીટ, વોર્ડ નં.7માં જૈનોના મત સૌથી વધુ છતાં ટિકીટ આપવામાં અન્યાય, ધારાસભ્યોએ પોતાની મેળે નામ નક્કી કરી નાખ્યા

રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકોના ભાજપના ઉમેદવારો જાહેર થતાં અને અનેક મોટા નેતાઓની ટિકીટો કપાઈ જતાં સર્જાયેલ ભડકા જેવી સ્થિતિ થાળે પાડવા ગઈકાલે રવિવારે ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માએ લાંબી કવાયત કરી હતી. આમ છતાં અંદરખાને ઘુંઘવાટ યથાવત રહ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખે સહકારી અગ્રણી જયોતિન્દ્ર મહેતા તથા શહેર ભાજપ પ્રમુખના નિવાસસ્થ્ન ઉપરાંત શહેર ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે અલગ અલગ બેઠકો યોજીને અસંતોષની આગ ઠારવા પ્રયાસો કર્યા હતાં અને કોઈ નિર્ણય વગર જ રાજકોટ છોડીને રવાના થઈ ગયા હતાં.

શહેર ભાજપ કર્યાલય ખાતે સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં નારાજ આગેવાનોની રજૂઆતો જગદીશ વિશ્ર્વકર્માએ સાંભળી હતી. આ દરમિયાન ધારાસભ્યો-સાંસદો વચ્ચે પણ ચકમક ઝરી હતી અને આંતરીક મતભેદ સપાટી ઉપર આવ્યા હતાં.

ભાજપમાં આંતરીક અસંતોષનો પડઘો ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમમાં પણ પડયો હતો અને જે લોકોની ટિકીટ કપાઈ છે. અથવા આશાવાદી હોવા છતાં જેને ટિકીટ મળી નથી તેવા મોટાભાગના આગેવાનો પ્રદેશ પ્રમુખની હાજરી હોવા છતાં કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતાં અને ખુરશીઓ ખાલી રહેતા ચર્ચા જાગી હતી.
કમલમ ખાતે નારાજ કાર્યકરો-નેતાઓની યોજાયેલ બેઠકમાં કેટલાક દુભાયેલા નેતાઓએ ભારે ઉકળાટ ઠાલવ્યો હોવાની ચર્ચા છે. ખાસ કરીને ઓબીસીમાં 120 જ્ઞાતિ આવતી હોવા છતાં સૌથી વધુ ટિકીટો આહીર જ્ઞાતિને ફાળવવા અને આ જ્ઞાતિના મોટાભાગના પુરૂષોને જ ટિકીટ આપવાના મુદ્દે કેટલાક ઓબીસી આગેવાનોએ સવાલો કર્યા હતાં.

કેટલાક અંગત વફાદારોને ટિકીટો આપવામાં સ્થાનિક નેતાઓની અવગણના કરી આયાતીઓને ટિકીટો ફાળવી દેવામાં આવ્યાની પણ ઉગ્ર રજૂઆત કરાઈ હતી. 15 જેટલા નામ જોગ દાખલા અપાયા હતાં. જેમાં વોર્ડ બદલીને પણ ટિકીટોની લહાણી કરવામાં આવી છે અને જ્ઞાતિમાં સમિકરણોના પણ ઉલાળીયો કરાયો છે. જો કે, જગદીશ વિશ્ર્વકર્માએ કાર્યકરોને સાંત્વના આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 10 હજાર બેઠકો સામે હજારો ફોર્મ ભરાયા હતાં. હું દરેકમાં ધ્યાન આપી શકુ નહીં. મારા કાર્યકરોને પણ ટિકીટ આપી શકયો નથી.

આ ઉપરાંત સ્થાનિક ચારેય ધારાસભ્યો સામે પણ ભારે નારાજગી બહાર આવી હતી. પ્રદેશ ભાજપ પ્રમુખ સમક્ષ કેટલાક પૂર્વ ધારાસભ્યોએ રાજકોટ ભાજપની સ્થિતિનો ચિતાર પ્રદેશ પ્રમુખ સમક્ષ રજુ કરી સવાલો ઉઠાવ્યા હતાં. અમુક આગેવાનોએ તો એવો આક્ષેપ કર્યો હતો કે, માત્ર ધારાસભ્યો અને સાંસદોએ નક્કી કર્યા તે નામ ફાઈનલ કરી નખાયા છે જ્યારે વર્ષોથી પાર્ટીની સેવા કરતાં આગેવાનો કે, સ્થાનિક નેતાઓને કાંઈ પુછવામાં જ આવ્યું નથી શું ધારાસભ્યો કોર્પોરેશનની ચૂંટણી જીતાડી દેશે ? તેવો સવાલ ઉઠાવાયો હતો.

સૌથી વધુ નારાજગી ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ સામે વ્યકત કરાઈ હતી અને ટિકીટો ફાઈનલ કરવામાં તથા નક્કી કરવામાં તેમણે વહાલા-દવલાની નીતિ અપનાવ્યાનો આક્ષેપ થયો હતો. સામાકાંઠા વિસ્તારમાં પણ સ્થાનિક આગેવાનોને વિશ્ર્વાસમાં લીધા વગર ધારાસભ્ય ઉદય કાનગડે નક્કી કર્યા તે નામ ફાઈનલ કરી નાખ્યાનો ઉકળાટ ઠાલવાયો હતો. વોર્ડ નં.7માં શૈલેષ જાનીની ટિકીટ કાપી નેહલ શુકલને ટિકીટ આપવામાં આવી છે. પરંતુ આ વોર્ડમાં બ્રાહ્મણો ઉપરાંત જૈન સમાજના મત પણ મોટી સંખ્યામાં હોવા છતાં જૈન સમાજમાંથી કોઈને ટિકીટ આપવામાં નહીં આવ્યાની ફરિયાદ ખુદ કશ્યપ શુકલે કરી હતી.

ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા સામે ચાલીને જયોતીન્દ્ર મહેતાના નિવાસસ્થાને જતાં તે અંગે પણ કાર્યકરોમાં ગણગણાટ જોવા મળ્યો હતો. જયોતિન્દ્ર મહેતાના પુત્રને કોર્પોરેશનની ટિકીટ નહીં મળતાં તેઓ નારાજ હોવાની વાત બહાર આવી હતી અને તેથી પ્રદેશ ભાજપ પ્રમુખે તેના નિવાસે જઈ રિસામણા-મનામણા કર્યાની ચર્ચા છે. જો કે, આ ઘટનાક્રમથી કાર્યકરોમાં નકારાત્મક મેસેજ ગયો છે. ખુદ પ્રદેશ પ્રમુખે જયોતિન્દ્ર મહેતાના ઘરે જવું પડે તેટલું મોટુ કદ જયોતિન્દ્ર મહેતાનું મનાતું નથી છતાં તેને મનાવવા માટે તેના ઘરે જવું એ વધુ પડતું ગણાવાય છે.

મેં 12 વર્ષ દિવસ-રાત જોયા વગર પક્ષ માટે કામ કર્યુ પણ ટિકિટમાં તક ન આપી
પ્રજ્ઞાબેન પીઠડિયા જાહેરમાં રડી પડયા
રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદ અને અસંતોષની ઘટના સામે આવી છે. છેલ્લા 12 વર્ષથી પક્ષમાં પાયાના કાર્યકર તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપનાર પ્રજ્ઞાબેન પીઠડિયાને ટિકિટ ન મળતા તેઓ મીડિયા સમક્ષ ભાવુક થઈ ગયા હતા. પ્રજ્ઞા પીઠડિયાએ આગામી સ્થાનિક સ્વરાજ્યની કે વિધાનસભાની પ્રક્રિયાના ભાગરૂૂપે ઓબીસી સમાજના પ્રતિનિધિ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમની રજૂઆત હતી કે તેઓ એક મહિલા સશક્તિકરણના ઉદાહરણ તરીકે અને પછાત વર્ગના અવાજ તરીકે પક્ષ તેમને તક આપશે. જોકે, જ્યારે અંતિમ યાદી જાહેર થઈ ત્યારે તેમનું નામ ન હોવાને કારણે તેમની વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેવો અહેસાસ તેમને થયો હતો. ભાવુક અવાજે પ્રજ્ઞાબેને જણાવ્યું કે, “મેં છેલ્લા 12 વર્ષથી દિવસ-રાત જોયા વગર પક્ષ માટે કામ કર્યું છે. સંગઠનને મજબૂત કરવા માટે અનેક કાર્યક્રમો કર્યા છે. મેં માત્ર ઓબીસી ક્વોટા માંથી મારી યોગ્યતાના આધારે ટિકિટ માંગી હતી.” તેમના આંસુ એ વાતનો સંકેત આપે છે કે ભાજપ જેવા કેડર બેઝ પાર્ટીમાં પણ ટિકિટ વિતરણ વખતે જૂના અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓની અવગણના થઈ રહી હોવાની લાગણી જન્મી છે. રાજકોટમાં ઓબીસી સમાજનું મોટું પ્રભુત્વ છે, અને પ્રજ્ઞાબેન જેવા સક્રિય ચહેરાને ટિકિટ ન મળવી એ આગામી સમયમાં પક્ષ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પક્ષના અગ્રણીઓ આ મામલે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કાર્યકર્તાઓમાં ફેલાયેલો રોષ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *