કોઠારિયા રોડ પર ઘરકામ માટે પતિ સાથે ઝઘડો થતા પત્નીનો આપઘાત

શહેરના કોઠારિયા રોડ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં પતિ સાથે ઘરકામ કરવા જવા બાબતે થયેલી બોલાચાલીથી મનમાં લાગી આવતા 47 વર્ષીય પરણીતાએ…

શહેરના કોઠારિયા રોડ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં પતિ સાથે ઘરકામ કરવા જવા બાબતે થયેલી બોલાચાલીથી મનમાં લાગી આવતા 47 વર્ષીય પરણીતાએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ બનાવને પગલે બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, કોઠારિયા રોડ પર આવેલી મારુતિ સોસાયટી (સેલિબ્રેશન પાર્ટી પ્લોટ પાછળ) રહેતા શિલ્પાબેન સુભાષભાઈ મકવાણા (ઉં.વ. 47)નું એક મકાન ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલું છે. ગઈકાલે તેમના પતિ સુભાષભાઈએ શિલ્પાબેનને જણાવ્યું હતું કે, સુપેડી સ્થિત મકાનમાં ધૂળ અને રજ જામી ગઈ હોવાથી ત્યાં જઈને સાફ-સફાઈ કરવાની છે.

જોકે, શિલ્પાબેને ત્યાં જવાની ના પાડતા બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ બાબતનું શિલ્પાબેનને મનમાં લાગી આવ્યું હતું. પતિ સાથેના ઝઘડાથી વ્યથિત થઈ શિલ્પાબેને સાંજના 6:00 વાગ્યાના અરસામાં પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતા જ પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક શિલ્પાબેનને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. માતાના અકાળે મોતથી સંતાનો અને પરિવારજનોમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ ગઈ છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે પ્રાથમિક નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *