થોરાળામાં જમીન ખાલી કરવા માટે પિતા-પુત્રએ વેપારી પાસેથી 22 લાખની ખંડણી માંગી

રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં રહેતા એક વેપારીની માલિકીનો પ્લોટ પચાવી પાડવા અને તે ખાલી કરવાના અવેજ પેટે લાખો રૂૂપિયાની ખંડણી માંગવા મામલે પિતા-પુત્ર વિરુદ્ધ લેન્ડ…

રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં રહેતા એક વેપારીની માલિકીનો પ્લોટ પચાવી પાડવા અને તે ખાલી કરવાના અવેજ પેટે લાખો રૂૂપિયાની ખંડણી માંગવા મામલે પિતા-પુત્ર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટના લાખાજીરાજ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી અંદાજે 235 ચોરસ મીટરની કિંમતી જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી, ઓરડીનું બાંધકામ કરી લેનારા આરોપીઓ સામે કોર્ટના આદેશ બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદની વિગતો મુજબ, ઇમિટેશનના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રશાંતભાઈ સુરેશભાઈ જાદવે ફેબ્રુઆરી 2023માં લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નંબર 1 માં એક ખુલ્લો પ્લોટ દસ્તાવેજ દ્વારા ખરીદ્યો હતો. આ પ્લોટનો કબ્જો સંભાળ્યાના થોડા દિવસો બાદ જ્યારે ફરિયાદી અને તેમના પિતા પ્લોટની મુલાકાતે ગયા ત્યારે ત્યાં ભુપતભાઈ અનકભાઈ ખાચર અને રવીભાઈ ભુપતભાઈ ખાચર નામના શખ્સો ગેરકાયદેસર રીતે પાકું બાંધકામ કરી રહ્યા હતા. ફરિયાદીએ આ પ્લોટ પોતાની માલિકીનો હોવાનું જણાવતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ “તમારે જો આ વિસ્તારમાં રહેવું હોય તો પ્લોટ બાજુ આવતા નહીં, નહીતર તમારા ટાંટીયા ભાંગી નાખીશું” તેવી ગંભીર ધમકી આપી હતી.

ઘટનાના થોડા દિવસો બાદ આરોપી રવીભાઈ ફરિયાદીના ઘરે જઈ ધમકાવ્યો હતો અને જણાવ્યું હતું કે જો તારે આ પ્લોટ પાછો જોઈતો હોય તો 22,00,000 (બાવીસ લાખ) રૂૂપિયા આપવા પડશે. આ બાબતે ફરિયાદીએ કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરી હતી, જે દરમિયાન આરોપીઓએ પ્લોટમાં ગેરકાયદેસર વીજ કનેક્શન પણ મેળવી લીધું હતું. જોકે, કલેક્ટર કચેરીમાં અરજી પડતી મુકાતા ફરિયાદીએ રાજકોટની લેન્ડ ગ્રેબિંગ કોર્ટમાં ફોજદારી ઇન્ક્વાયરી દાખલ કરી હતી.

સેસન્સ કોર્ટમાં ચાલેલી કાયદાકીય લડત બાદ કોર્ટે ભુપતભાઈ અને રવીભાઈ ખાચર વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમના આધારે થોરાળા પોલીસે આરોપીઓ સામે બી.એન.એસ.ની વિવિધ કલમો અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક ભાવેશકુમાર જાદવને સોંપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *