પ્રેમી સાથે મળી પત્નીએ પતિનું ઢીમ ઢાળી દીધું

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ તાલુકાના ડૈયા ગામની સીમમાં પ્રેમ સંબંધના કારણે થયેલા જીવલેણ હુમલાના કેસમાં ગંભીર વળાંક આવ્યો છે. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જુનેદ…

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ તાલુકાના ડૈયા ગામની સીમમાં પ્રેમ સંબંધના કારણે થયેલા જીવલેણ હુમલાના કેસમાં ગંભીર વળાંક આવ્યો છે. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જુનેદ ઇબ્રાહીમભાઈ કબીર (ઉં. 33, રહે. ગોંડલ)નું સારવાર દરમિયાન મોત થતાં હવે કેસ હત્યામાં પલટાયો છે.

17 જૂન, 2026ના રોજ ડૈયા ગામની સીમમાં ઇદગાહવાળા રસ્તા પાસે નદી કાંઠે જુનેદ કબીર માથાના ભાગે ગંભીર ઇજાઓ સાથે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમના ભાઈ યાશીનભાઈ કબીરની ફરિયાદના આધારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન બહાર આવ્યું કે જુનેદ કબીરની પત્ની નામીયાને તેના પાડોશી આશીફભાઈ સતારભાઈ ડેલા સાથે પ્રેમ સંબંધ હતો. બંને નિકાહ કરવા ઇચ્છતા હોવાથી જુનેદ તેમના સંબંધમાં અડચણરૂૂપ બનતો હતો. ઉપરાંત, પૂછપરછ દરમિયાન આશીફે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે જુનેદ પોતાની પત્નીને વારંવાર મારઝૂડ અને માનસિક ત્રાસ આપતો હતો. તેથી બંનેએ મળીને જુનેદને રસ્તામાંથી દૂર કરવાનો પ્લાન બનાવ્યો હતો.

આયોજન મુજબ આશીફે જુનેદને પૈસા કમાવવાની લાલચ આપી રાત્રિના સમયે ડૈયા ગામની સીમમાં નદી કાંઠે બોલાવ્યો હતો. ત્યાં તેના માથામાં પથ્થર વડે ગંભીર હુમલો કરી તેને મૃત સમજીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે જુનેદને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

આ કેસમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીએ મુખ્ય આરોપી આશીફભાઈ સતારભાઈ ડેલા (ઉં. 31, રહે. ગોંડલ, મૂળ વેકરી) અને મૃતકની પત્ની નામીયા (ઉં. 23)ની અટકાયત કરી ગોંડલ તાલુકા પોલીસને સોંપ્યા છે. હવે ભોગ બનનારના મૃત્યુ બાદ બંને સામે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમગ્ર કેસનો પર્દાફાશ કરવામાં એલસીબીના પી.આઈ. જે.પી. રાવ, પી.એસ.આઈ. એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ તેમજ એ.એસ.આઈ. બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, ભગીરથસિંહ જાડેજા, પ્રહલાદસિંહ રાઠોડ, ધર્મેન્દ્રભાઈ ચાવડા, ભારતીબા સરવૈયા, પી.સી. ભાવેશભાઈ મકવાણા, વિજયભાઈ સિંહાર, વિજયભાઈ ખડીયા અને રણજીતભાઈ બોરડ સહિતના પોલીસ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *