રાપરની સગીરાનું ધર્માંતરણ કરી નિકાહ કરાવવાના ગુનામાં અજમેરના કાજીની ધરપકડ

આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર, શરીર સંબંધ બાંધી સગીરા સાથે મારકૂટ કરી હતી રાપર પોલીસ મથકે અપહરણ, બળાત્કારના પ્રકરણમાં પોલીસે રાજસ્થાન અજમેરના એક કાજીની ધરપકડ…

આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર, શરીર સંબંધ બાંધી સગીરા સાથે મારકૂટ કરી હતી

રાપર પોલીસ મથકે અપહરણ, બળાત્કારના પ્રકરણમાં પોલીસે રાજસ્થાન અજમેરના એક કાજીની ધરપકડ કરી છે. તેણે સગીર વયની બાળકીનું ગેરકાયદે ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરાવ્યા હતા. પકડાયેલા આ શખ્સના 19 જૂન સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા. રાપર પોલીસ મથકે ગત તા. 12/6ના જાહિન અબ્દુલ ચૌહાણ સામે ગુનો નોંધાયો હતો. તેણે કિશોરીને લગ્નની લાલચ આપી અપહરણ કરી તેની સાથે વારંવાર શરીર સંબંધ બાંધી, મારઝૂડ કરી હતી અને ધમકીઓ આપી હતી.

આ શખ્સની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી હતી, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ શખ્સ કિશોરીને રાજસ્થાનના અજમેર લઇ ગયો હતો, જ્યાં ખ્વાજાસાહેબ દરગાહના ઇમામ, કાજી મોહમ્મદ રમજાન જાનમહોમદે આ સગીરાને ગેરકાયદેસર રીતે ઇસ્લામ કબૂલ કરાવ્યો હતો અને બાદમાં જાહિન સાથે તેના લગ્ન કરાવી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. બનાવની ગંભીરતા જોતાં રાપર પોલીસની ટીમ અજમેર દોડી ગઇ હતી અને આ કાજી મોહમદ રમજાનને પકડી પાડયો હતો.

તેને કોર્ટમાં રજૂ કરાતાં તેના 19 જૂન સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા. આ પ્રકરણમાં પોલીસે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021ની કલમ 4(ક), બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની કલમો તથા પોકસોની કલમ 17નો ઉમેરો કર્યો હતો. આ કાર્યવાહીમાં પી.આઇ. આર.એલ. ખટાણા, પી.એસ.આઇ. બી.એ. ઝા, એચ.વી. કાતરિયા વગેરે જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *