જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાંથી રહેણાંક વિસ્તારમાં ચાલતા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. કેશોદ પોલીસ મથકથી દક્ષિણ દિશામાં આશરે 2 કિલોમીટર દૂર આવેલા પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટના ચોથા માળે બ્લોક નંબર 401માં મોટા પાયે કુટણખાનું ચાલતું હતું.
આ દરોડા દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી વાંધાજનક સામગ્રી, રોકડ રકમ અને મોબાઇલ ફોન મળી આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ફ્લેટમાં છેલ્લા ઘણા સમયથી અનૈતિક પ્રવૃત્તિઓ ધમધમતી હતી અને આસપાસના રહીશોને શંકા ન જાય તે રીતે આખો ગોરખધંધો ચલાવવામાં આવી રહ્યો હતો.
યુવતીઓ અને સ્થાનિકો વચ્ચે મધ્યસ્થી બનીને કમિશનનું નેટવર્ક ગોઠવવામાં આવ્યું હતું આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરતા માલૂમ પડ્યું છે કે, અહીં ગ્રાહકોને આકર્ષવા માટે ખાસ કરીને બહારના રાજ્યોમાંથી સ્વરૂપવાન યુવતીઓને કેશોદ ખાતે બોલાવવામાં આવતી હતી. આ બહારના રાજ્યોની યુવતીઓ અને સ્થાનિક ગ્રાહકો વચ્ચે મધ્યસ્થી બનીને કમિશન મેળવવાનું આખું નેટવર્ક ગોઠવવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે અનૈતિક વ્યાપાર અટકાવવાના કાયદા (PITA) 1956ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી પંથકમાં ચાલતા અન્ય શંકાસ્પદ સ્પા અને ભાડાના મકાનોના સંચાલકોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ઘટનાસ્થળેથી ત્રણ પુરુષ આરોપીઓની ધરપકડ આ હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ ચલાવવાના મામલે પોલીસે મુખ્ય મહિલા સંચાલિકા સહિત ત્રણ પુરુષો મળી કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જેમાં ઘટનાસ્થળેથી ત્રણ પુરુષ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કાળા કારોબારની મુખ્ય સંચાલિકાની પણ પોલીસે ધરપકડ કરી છે. આ મુખ્ય મહિલા સંચાલિકા પોતાના સાગરીતો સાથે મળીને પોતાના કબજાના મકાનમાં દલાલ તરીકે સક્રિય ભૂમિકા ભજવતી હોવાનું ખુલ્યું છે.
કુલ 67,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી પોલીસે આ સફળ રેઇડ દરમિયાન ઘટનાસ્થળેથી અલગ-અલગ કંપનીના 4 નંગ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કિંમત અંદાજે 40,000 રૂપિયા થાય છે તે તેમજ રોકડા 27,100 રૂપિયા અને અન્ય પ્રતિબંધિત સામગ્રી સહિત કુલ 67,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની ડાયરીમાં નોંધ કરી છે. કેશોદ પોલીસે આ મામલે ગુનો નોંધીને આ રેકેટના તાર અન્ય કયા મોટા શહેરો કે રાજ્યો સાથે જોડાયેલા છે તે દિશામાં વધુ તપાસ લંબાવી છે.
