શાપર વેરાવળમાં આવેલા બુધ્ધનગરમાં રહેતાં દંપતિ વચ્ચે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થતાં પરિણીતાએ ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપર વેરાવળમાં આવેલા બુધ્ધનગરમાં રહેતી લક્ષ્મીબેન સંજયભાઈ ચાવડા નામની 35 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં ઝેરી ટીકડા ખાઈ લીધા હતાં.
પરિણીતાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક પુછપરછમાં લક્ષ્મીબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ સાથે નજીવા પ્રશ્ર્ને ચડભડ થતાં લક્ષ્મીબેને ઝેરી ટીકડા ખાઈ લીધા હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત બીજા બનાવમાં શાપર વેરાવળમાં મજુરી કામ અર્થે આવેલા રવિન્દ્ર રામસાગર પંડીત નામનો 18 વર્ષનો યુવાન બપોરના દોઢેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું. યુવકની તબિયત લથડતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
