રાજકોટ શહેરના પાંચ વોર્ડના વિવિધ વિસ્તારોમાં આજે પાણીકાપ લાદવામાં આવતા લોકોમાં દેકારો મચી ગયો છે. અને વોર્ડ નં.13માં મહિલાઓએ માટલા ફોડીને થાળી વગાડીને પાણીકાપનો વિરોધ નોંધાવ્યો હતો. મહાનગર પાલિકા દ્વારા ભર ઉનાળે વાવડી સમ્યની સફાઇ માટે આજે શહેરના વોર્ડ નં.8, 10, 13ના અમૂક વિસ્તારો તથા વોર્ડ નં.11 અને 12માં મળી કુલ 178 જેટલી સોસાયટીમાં આજે પાણીકાપ લાદવામાં આવ્યો છે. જેના પગલે લોકોમાં ભારે દેકારો મચી ગયો છે.શહેરના વોર્ડ નંબર 13માં આવેલા આંબેડકરનગરમાં ઉનાળાની શરૂૂઆત થતાં જ પાણીની સમસ્યા વિકટ બની છે. નિયમિત પાણી પુરવઠો ન મળવાના કારણે સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સફાઈ અને રિપેરીંગના બહાને વારંવાર પાણી કાપ મુકવામાં આવતા હોવાથી મહિલાઓએ આજે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
આજે સવારથી જ પૂર્વ કોર્પોરેટર જયાબેન ડાંગરની આગેવાનીમાં આંબેડકરનગરની મહિલાઓએ હાથમાં થાળી અને વેલણ લઈ શેરીઓમાં નીકળી પડી હતી. પાણીની સમસ્યા સામે તેમનો આક્રોશ વ્યક્ત કરવા માટે મહિલાઓએ થાળીઓ વગાડીને સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમનું કહેવું છે કે ઉનાળાની ગરમીમાં પાણીની સૌથી વધુ જરૂૂરિયાત હોય છે, ત્યારે જ પાલિકા દ્વારા અવારનવાર પાણી કાપ મુકવામાં આવે છે, જે અસહ્ય છે.મહિલાઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી દિવસોમાં પાણીની સમસ્યા હલ નહીં થાય તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરશે. હાલમાં આ ઘટનાને પગલે સ્થાનિક તંત્ર દોડતું થયું છે અને મહિલાઓને સમજાવવાના પ્રયાસો કરી રહ્યું છે. જો કે, મહિલાઓ પોતાની માંગ પર મક્કમ છે અને નિયમિત પાણી પુરવઠાની ખાતરી ઇચ્છે છે.
