શહેરના નાનામવામાં આવેલા વીઆઇપી બેગના શોરૂમનો સ્ટોર મેનેજર માલ વેંચાણના અને સ્ટોકના રૂા.5.22 લાખ કંપનીમાં જમા ન કરાવી અંગત વપરાશમાં વાપરી નાખી ઓળવી ગયો હતો.
આ અંગે અમદાવાદમાં રહેતા વીઆઇપી બેગના સૌરાષ્ટ્ર-કચ્છના એરીયા મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવતા માલવીયાનગર પોલીસે ગંજીવાડાના શખ્સ વિરૂધ્ધ છેતરપીંડિનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ અમદાવાદમાં ગોતા વિસ્તારમાં રહેતા અને વીઆઇપી બેગમાં સૌરાષ્ટ્ર-કચ્છના એરીયા મેનેજર તરીકે નોકરી કરતા જીગ્નેશ પ્રમોદભાઇ પટેલ (ઉ.વ.36)એ માલવીયાનયર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગંજીવાડા શેરી નં.23માં રહેતા પારસ અરવિંદભાઇ પરમારનું નામ આપ્યુ છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી પારસ તા.1/1/25થી વીઆઇપી લોન્જ સ્ટોરમાં સ્ટોર મેનેજર તરીકે નોકરી કરતો હતો અને રાજકોટ ખાતેની 150 ફૂટ રીંગરોડ વાળી બ્રાન્ચના સ્ટોક તથા લે વેચ તથા હિસાબની જવાબદારી તેને હતી.
દરમ્યાન ગત તા.2/2/26 150 ફૂટ રીંગરોડ વાળી બ્રાન્ચનું બેંક એકાઉન્ટ ચેક કરતા તા.1/11/25થી 31/1/26 દરમ્યાન થયેલા માલ વેંચાણના રૂા.3,08,666 અને સ્ટોકના રૂા.2,12,901 મળી કુલ રૂા.5,21,567નો હિસાબ મળ્યો ન હતો. જેથી તેઓએ સ્ટોર મેનેજર પારસ પરમારને ફોન કરતા તેણે ‘હું હાલ રજા ઉપર છું તેમને બે દિવસમાં હિસાબ મોકલી આપીશ તેમ જણાવ્યુ હતુ’ પરંતુ આજ સુધી તેણે હિસાબ આપ્યો ન હતો.
આમ આરોપી સ્ટોર મેનેજર પારસ પરમારે માલ વેંચાણ અને સ્ટોકના રૂપિયા કંપનીમાં જમા ન કરાવી અંગત વપરાશમાં વાપરી નાખી કંપની સાથે વિશ્ર્વાસઘાત છેતરપીંડિ કરી હતી. જેથી પોલીસે સ્ટોર મેનેજર પારસ પરમાર સામે ગુનો નોંધી પીએસઆઇ આર.આર.કોઠીયાએ વધુ તપાસ હાથ ધરી છે.
