કોઠારીયા મેઈન રોડ પર વિવેકાનંદનગરમાં ગઈ તા. 6માં રહેતા અમીતભાઈ મહેબુબખાન પઠાણ (ઉ.વ.37)ને તેની પત્ની રેશ્મા, પત્નીના પ્રેમી કિશન અને બે બેનો તસલીમ અને ઈરફાનાએ ધમકાવી ત્રાસ આપતા ગઈ તા. 6નાં ફોનમાં વીડિયો બનાવી ઝેરી પાવડર પી લઈ આપઘાત કરી લીધાનું ખુલતા ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
આ મામલે મૃતકના પિતરાઈ ભાઈ અફઝલ પઠાણ (ઉ.વ.40, રહે બાબરીયા કોલોની શેરી નં. 4)એ ચારેય સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેના કાકાના દિકરા ભાઈ અમીતના લગ્ન 17 વર્ષ પહેલા ચોટીલાની રેશ્મા સાથે થયા હતા. તેને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. લગ્નના ચારેક વર્ષ બાદ દંપતી વચ્ચે અણબનાવ બનતા બંનેએ છુટાછેડા લીધા હતા પરંતુ રેશ્મા પાંચેક માસ રોકાઈ હતી. અમીતભાઈ સાથે રહેવા આવી ગઈ હતી. રેશ્મા પાંચ વર્ષ દરમિયાન પાંચ-છ વખત કોઈને કોઈની સાથે જતી રહેતી હતી. અને બે-ત્રણ મહિનામાં પરત આવી જતી હતી. જેના કારણે અમીતભાઈ પરેશાન રહેતા હતા. છેલ્લા ત્રણેક માસ પહેલા રેશ્મા તેના બંને બાળકોને સૂતા મુકીને રાત્રે કિશન ગમારા સાથે જતી રહી હતી.અમીતભાઈ તેની વાત કરતા હતા. બીજી તરફ રેશ્મા ફોન કરી હેરાન કરતી હતી. જ્યારે કિશન પણ ફોન કરી રેશ્મા અને તેના સંતાનો બાબતે ધમકાવતો હતો. ત્યારબાદ ગઈ તા. 6નાં અમીતભાઈએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
અમીતભાઈનો ફોન ચેક કરતા તેમાં એક વીડિયો જોવા મળ્યો હતો. જેમાં મારી ઘરવાળી રેશ્મા ત્રણ મહિનાથી વહી ગઈ છે, મને બધી રીતે હેરાન કરે છે, છોકરા જોઈએ છે, જો છોકરા જોઈતા હોય તો ભાગી હતી શું કામ? હવે મારે જે પગલા ઉપાડવા પડે છે, નથી મને જીવવા દેતી, નથી મને મરવા દેતી, હવે જે કાંઈ થાય તેની જવાબદારી રેશ્મા, તેની બહેન તસલીમ અને ઈરફાના તેમજ કિશન ગમારા.આ લોકો બધા ભેગા થઈને મને શાંતિથી રહેવા દેતા નથી. જેથી મારે આ પગલા ઉપાડવા પડે છે કહી જિંદગી ટૂંકાવી હોવાનું ખુલતા ભક્તિનગરમાં ફરિયાદ નોંધાવી હતી.
