મૃતક રાણપુર તાલુકા પંચાયતના ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા હતા
બોટાદ જિલ્લાના રાણપુર-પાળીયાદ હાઇવે રોડ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલકને રોઝડું આડું ઉતરતા આ અકસ્માત થયો હતો, જેમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.મૃતકનું નામ ચિરાગભાઈ સોલંકી હતું જેઓ રાણપુર તાલુકા પંચાયતમાં ખેતીવાડી વિભાગમાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા હતા.
તેઓ પોતાના ગામ વાંગધ્રાથી નોકરી પર જવા માટે રાણપુર આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. રાણપુર-પાળીયાદ હાઇવે રોડ પર બાઈક પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન અચાનક એક રોઝડું આડું ઉતરતા ચિરાગભાઈએ બાઈક પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે તેમને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. ચિરાગભાઈ સોલંકી તેમના પિતાના એકમાત્ર પુત્ર હતા. થોડા સમય પહેલા જ તેમના લગ્ન થયા હતા અને તેમને એક નાનું બાળક પણ છે. આ ઘટનાને પગલે તેમના પરિવાર પર શોકનો માહોલ છવાઈ ગયો છે. રાણપુર તાલુકા પંચાયતના કર્મચારીઓમાં પણ આ દુર્ઘટનાથી ગમગીની વ્યાપી ગઈ છે.
