કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ વિસ્તારમાં જાહેરમાં મારામારીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે જે પોલીસના અસ્તિત્વ પર સવાલો ઉભા કરે છે.આજ બપોરના સુમારે શાપર પાટિયા પાસે, પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર, બે શખ્સો વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી. આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ છે.
વ્યસ્ત માર્ગ પર બનેલી આ ઘટના દરમિયાન બંને શખ્સોએ કાયદાનો કોઈ ડર રાખ્યા વિના એકબીજાને માર માર્યો હતો. રસ્તા પરથી પસાર થતા લોકો અને વાહનચાલકો થોડા સમય માટે અચંબામાં મુકાઈ ગયા હતા, અને કેટલાક લોકોએ ભયના કારણે સ્થળ છોડી દીધું હતું.
આવી ઘટનાઓ શાપર-વેરાવળ વિસ્તારમાં હવે સામાન્ય બની ગઈ છે. છાશવારે જાહેર માર્ગો, ચોકડીઓ અને વ્યસ્ત વિસ્તારોમાં મારામારીના બનાવો સામે આવી રહ્યા છે. આ દર્શાવે છે કે કેટલાક અસામાજિક તત્વોને કાયદા અને વ્યવસ્થાનો કોઈ ભય રહ્યો નથી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો છે.
પોલીસ સ્ટેશનની નજીક આવી ઘટના બનવી એ ચિંતાજનક બાબત છે. લોકો પોલીસ પ્રશાસન પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે કે આવા શખ્સોને ઝડપી પાડી કાયદાનો કડક પાઠ ભણાવવામાં આવે. આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસીને ગુનેગારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે.
