હૈદરાબાદ સીઝનમાંથી બહાર, ફાઇનલમાં પહોંચવા રાજસ્થાન કાલે ગુજરાત ટાઇટન્સ સાથે ટકરાશે
IPL 2026 ની હાઈ-વોલ્ટેજ એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે શાનદાર પ્રદર્શન કરતા સનરાઇઝર્સ હૈદરાબાદને 47 રનના મોટા અંતરથી પરાજય આપ્યો છે. મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલા આ મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 243 રનનો પહાડ જેવડો સ્કોર ખડક્યો હતો. જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આ વિશાળ ટાર્ગેટ ચેઝ કરવામાં નિષ્ફળ રહી હતી અને મેચ હારવાની સાથે જ આ સીઝનમાંથી બહાર થઈ ગઈ છે. આ શાનદાર જીત સાથે રાજસ્થાન રોયલ્સે હવે ક્વોલિફાયર-2 માં જગ્યા બનાવી લીધી છે, જ્યાં ફાઇનલમાં પહોંચવા માટે તેમનો સામનો 29 મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામે આ જ મેદાન પર થશે.
આ પહેલાં હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે તેમની ટીમ માટે ભારે આત્મઘાતી સાબિત થયો હતો. રાજસ્થાનના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ મેદાન પર ઉતરતાની સાથે જ હૈદરાબાદના બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. સૂર્યવંશીએ માત્ર 16 બોલમાં 8 ગગનચુંબી છગ્ગાની મદદથી પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તે આઈપીએલ ઇતિહાસની સૌથી ઝડપી સદી તરફ આગળ વધી રહ્યો હતો, પરંતુ કમનસીબે કુલ 12 છગ્ગા ફટકાર્યા બાદ તે પ્રફુલ હિંગેના બોલ પર 97 રનના અંગત સ્કોર પર આઉટ થઈ ગયો હતો અને માત્ર 3 રન માટે પોતાની સદી ચૂકી ગયો હતો. બીજી તરફ, ધ્રુવ જુરેલે પણ તોફાની બેટિંગ નમૂનો પેશ કરતા માત્ર 21 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 50 રન ઝૂડી કાઢ્યા હતા. અંતમાં કેપ્ટન રિયાન પરાગે પણ 12 બોલમાં ઝડપી 26 રન ઉમેર્યા હતા, જેના કારણે રાજસ્થાનની ટીમ 243 રનના મજબૂત સ્કોર સુધી પહોંચી શકી હતી. 244 રનના હિમાલય જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી હતી.
રાજસ્થાનના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે ઇનિંગના બીજા જ બોલ પર વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માને શૂન્ય રને આઉટ કરીને હૈદરાબાદને મોટો ઝટકો આપ્યો હતો. ઇશાન કિશને 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 33 રન બનાવીને દબાણ હળવું કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આર્ચરે તેને પણ પેવેલિયન ભેગો કર્યો હતો. ત્યારબાદ આર્ચરે ખતરનાક ટ્રેવિસ હેડ (17 રન) ને બોલ્ડ કરીને હૈદરાબાદની કમર તોડી નાખી હતી. મધ્યક્રમમાં નાન્દ્રે બર્ગરે સ્મૃતિ રવિચંદ્રન અને હેનરિક ક્લાસેનને 18-18 રને આઉટ કરીને મેચ પર રાજસ્થાનની પકડ મજબૂત કરી દીધી હતી. નીતિશ કુમાર રેડ્ડી અને સલિલ અરોરાએ કેટલાક આકર્ષક શોટ્સ રમીને ચાહકોનું મનોરંજન કર્યું હતું, પરંતુ સ્પિનર રવિન્દ્ર જાડેજાએ આ બંને બેટ્સમેનોને આઉટ કરીને હૈદરાબાદની જીતની તમામ આશાઓ પર આખરી પાણી ફેરવી દીધું હતું. અંતે યશ રાજ પુંજાએ શાનદાર બોલિંગ કરી રાજસ્થાનની ભવ્ય જીત સુનિશ્ચિત કરી હતી.
સતત વિકેટો પડતાં કાવ્યા મારન થઈ નાખુશ
IPL 2026ની એલિમિનેટર મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 243 રનનો ઐતિહાસિક સ્કોર બનાવ્યો હતો. જ્યારે હૈદરાબાદ બેટિંગ કરવા માટે ઉતર્યું ત્યારે તેમનો ટોપ ઓર્ડર ખરાબ રીતે પડી ભાંગ્યો. ઈશાન કિશને કેટલાક શાનદાર શોટ રમ્યા અને ધૂમ મચાવી દીધી,, પરંતુ જછઇંના માલિક કાવ્યા મારનની આઉટ થવા પર નિરાશ પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે. કાવ્યા મારન પણ સતત વિકેટ પડવાથી ગુસ્સે જોવા મળી હતી. પરંતુ જ્યારે ઇશાન કિશનની વિકેટ પડી ત્યારે તેના ચહેરા પર ખુશીનો કોઈ સંકેત ન હતો. જેમ જેમ વિકેટ પડતી રહી, તેમ તેમ કાવ્યાએ પોતાનો નારાજગી વ્યક્ત કરી.
નોકઆઉટ મેચમાં સૂર્યવંશીનો સિકસનો વરસાદ, 5 રેકોર્ડ તોડ્યા
વૈભવ સૂર્યવંશીની આઈપીએલ કરિયરની પ્રથમ પ્લેઓફ મેચ રમી. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ એલિમિનેટર મેચમાં 15 વર્ષના સૂર્યવંશીએ ઘણા રેકોર્ડ તોડી દીધા છે. વૈભવ એક સમયે 4 બોલમાં 7 રન બનાવી રમી રહ્યો હતો, પરંતુ આગામી 12 બોલમાં 41 રન ફટકારી દીધા. વૈભવે મેચમાં 28 બોલ રમી 97 રન બનાવ્યા અને 12 સિક્સ ફટકારી હતી. વૈભવ સૂર્યવંશીએ આ મેચમાં આીપીએલ 2026ની સિઝનમાં પોતાના 600 રન પણ પુરા કર્યા હતા. 16 બોલમાં 50 રન પુરા કર્યાં અને ક્રિસ ગેલનો ઐતિહાસિક રેકોર્ડ તોડી દીધો હતો. તે સૌથી ઝડપી સદી ફટકારવાથી ચૂકી ગયો, પરંતુ તેણે એલિમિનેટર મેચમાં 5 મોટા રેકોર્ડ તોડી દીધા છે. વૈભવ સૂર્યવંશીએ એલિમિનેટર મેચમાં 16 બોલમાં 50 રન પુરા કર્યાં. તેણે આઈપીએલ પ્લેઓફ ઈતિહાસની સૌથી ઝડપી અડધી સદી ફટકારવાના મામલામાં સુરેશ રૈનાની બરોબરી કરી છે. આઈપીએલ 2012ની સિઝનમાં ક્રિસ ગેલે 59 સિક્સ ફટકારી હતી. આખરે તેના 14 વર્ષ બાદ વૈભવ સૂર્યવંશીએ ગેલનો આ ઐતિહાસિક રેકોર્ડ તોડી દીધો છે. સનરાઇઝર્સ વિરુદ્ધ 8 સિક્સ ફટકારવાની સાથે તે આઈપીએલની એક સિઝનમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટર બની ગયો છે. વૈભવ સૂર્યવંશી એક આઈપીએલ સિઝનમાં 600+ રન બનાવનાર સૌથી યુવા બેટર બની ગયો છે. વૈભવે આ સિઝનમાં 680 રન બનાવ્યા છે. આ પહેલા પંતે 2018મા 21 વર્ષની ઉંમરે 600 રનનો આંકડો પાર કર્યો હતો. એલિમિનેટર મેચમાં વૈભવ સૂર્યવંશીએ ઈનિંગની ચોથી ઓવરમાં 50 રન પુરા કરી લીધા હતા. તેણે આઈપીએલમાં પાંચમી વખત પાવરપ્લેની અંદર અડધી સદી પુરી કરી છે. આ પહેલા છ ઓવરમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ ડેવિડ વોર્નરને નામે છે, જેણે છ વખત આ સિદ્ધિ મેળવી છે. પાવરપ્લેની અંદર એક આઈપીએલ ઈનિંગમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ વૈભવ સૂર્યવંશીએ પોતાના નામે કરી લીધો છે. તેણે હૈદરાબાદ વિરુદ્ધ એલિમિનેટર મેચમાં પાવરપ્લે ઓવરમાં આઠ સિક્સ ફટકારી છે. આ સાથે તેણે સનથ જયસૂર્યા અને જોસ બટલર સહિત ઘણા દિગ્ગજોનો રેકોર્ડ તોડ્યો, જેણે પાવરપ્લેમાં સાત-સાત સિક્સ ફટકારી હતી.
