ગોડાઉનમાંથી 32.63 લાખના ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો, વેપારી સામે કાર્યવાહી, ગોડાઉનમાં ફાયર સેફટીના સાધનો પણ ન હતા
ફટાકડા એ સ્ફોટક પદાર્થ હોવાથી તેના સંગ્રહ અને વેચાણ માટે કડક નિયમો અને લાયસન્સ હોવું અનિવાર્ય છે. લાયસન્સ વગર કે રહેણાંક વિસ્તારોમાં જોખમી રીતે ફટાકડાનો સંગ્રહ કરવાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અને માનવ જિંદગી જોખમમાં મુકાઈ શકે છે. આ બાબતને ગંભીરતાથી લઈ જૂનાગઢ SOGએ લાયસન્સ વગર ધમધમતા ફટાકડાના ગોડાઉન પર રેડ કરી ₹ 32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.જૂનાગઢ રેન્જના આઇજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરાની સૂચના મુજબ જિલ્લામાં ગેરકાયદેસર સ્ફોટક પદાર્થોના વેચાણ અને સંગ્રહ પર વોચ રાખવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન SOGના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમારની ટીમને બાતમી મળી હતી કે શહેરના આઝાદ ચોક પાસે આવેલી એક દુકાનમાં પરવાના વગર ફટાકડાનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે.
SOGના ASI વિક્રમભાઇ ચાવડા અને પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ ધાધલને મળેલી ચોક્કસ બાતમીના આધારે ‘જલારામ સીઝનલ સ્ટોર’ નામની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીં તપાસ કરતા વેપારી નયન રસીકભાઈ ભાયાણી પાસે ફટાકડાના વેચાણ કે સંગ્રહ માટેનું કોઈ કાયદેસરનું લાયસન્સ મળી આવ્યું નહોતું.પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, વેપારીએ કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા વગર અત્યંત જોખમી રીતે અલગ-અલગ બ્રાન્ડના ફટાકડાનો જથ્થો સંગ્રહ કર્યો હતો. આ બેદરકારીને કારણે પોતાની તેમજ આસપાસના લોકોની જિંદગી જોખમમાં મુકાય તેમ હોય પોલીસે કડક કાર્યવાહી કરી હતી.
પોલીસે સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડના ફટાકડાનો કુલ 32,63,673નો જથ્થો જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ રેડમાં SOGના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર, એ.એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા, મહેન્દ્રભાઇ કુવાડીયા, હેડ કોન્સ્ટેબલ મેણસીભાઇ અખેડ, પ્રતાપભાઇ શેખવા, બાલુભાઇ બાલસ તેમજ કોન્સ્ટેબલ રોહિતભાઇ ધાધલ, વિશાલભાઇ ઓડેદરા અને ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ વિશાલભાઇ ડાંગર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
