રાજકોટથી દેવાબાપાની જગ્યાએ દંપતી દર્શન કરવા ગયું ત્યારે રસ્તામાં બઘડાટી બોલી; સાસુ-જેઠની ચઢામણીથી માર માર્યાનો આક્ષેપ
રાજકોટમાં રહેતું દંપતિ વાંકાનેર બાઉન્ટ્રી પાસે દેવા બાપાની જગ્યાએ દર્શન કરી પરત ફરતું હતું ત્યારે રસ્તામાં દંપતિ વચ્ચે ઝઘડો થતાં પતિએ ચાલુ બાઈકે ધક્કો મારી પત્નીને પછાડી દઈ ઢોર માર માર્યો હતો. સાસુ અને જેઠની ચઢામણીથી પતિએ માર માર્યો હોવાના આક્ષેપ સાથે પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
રાજકોટમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતી શોભનાબેન શૈલેષભાઈ ભટ્ટ નામની 30 વર્ષની પરિણીતા સવારના દસેક વાગ્યાના અરસામાં રાજકોટ-ચોટીલા હાઈ-વે પર આવેલા વાંકાનેર બાઉન્ટ્રી પાસે હતી ત્યારે પતિ શૈલેષ રમણીકલાલ ભટ્ટે ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો.
પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.પ્રાથમિક પુછપરછમાં શોભનાબેન ભટ્ટના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા છે. દંપતિ દેવાબાપાની જગ્યાએ દર્શન કરી પરત ફરતું હતું ત્યારે પતિએ ઝઘડો કરી ચાલુ બાઈકે પછાડી દઈ ઢીકાપાટુનો માર માર્યો હતો. જે સાસુ અને જેઠની ચઢામણીથી પતિએ માર માર્યો હોવાનો શોભનાબેન ભટ્ટે આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
