અમરેલી જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી) ટીમે અમરેલી શહેરના બટારવાડી શેરી નં. 1 વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી બનાવટી ઘી બનાવવાના ગેરકાયદે ધંધાનો પર્દાફાશ કર્યો છે. પોલીસને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતાં સંજય રમેશભાઈ વિરાણીના કબ્જાના મકાનમાં વનસ્પતિ તેલ અને વનસ્પતિ ઘીનું મિશ્રણ કરી શંકાસ્પદ ઘી તૈયાર કરી તેને અલગ-અલગ સાઇઝના પ્લાસ્ટિકના ડબ્બાઓમાં પેકિંગ કરવામાં આવતું હતું.
સ્થળ પરથી પેકિંગ માટેના ખાલી ડબ્બા, ઢાંકણાં, સીલિંગ મશીન, હીટ ગન, ઇલેક્ટ્રિક વજન કાંટો, ગેસ બાટલો, તપેલાં સહિત બનાવટી ઘી તૈયાર કરવા માટે વપરાતા સાધનો તેમજ 19 કિલો શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું. એસઓજીએ કુલ રૂૂપિયા 35,550નો મુદ્દામાલ કબ્જે કરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવી શંકાસ્પદ ઘીના નમૂનાઓ તપાસ માટે મોકલ્યા છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂૂ કરવામાં આવી છે.
