બામણબોર પાસે આવેલ ગ્રીનપ્લાય કારખાના નજીક વાહન ધીમું ચલાવવા બાબતે કાકા-ભત્રીજા પર છ શખ્સોએ ધોકા-પાઈપથી હિંચકારો હુમલો કરતાં બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે એરપોર્ટ પોલીસે છ શખ્સો સામે રાયોટનો ગુનો નોંધ્યો હતો.બનાવ અંગે બામણબોર ગામે રહેતાં રણજીતભાઈ ચોથાભાઈ સુમરા (ઉ.વ.22) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અનિલ રૂૂખડ, રોહિત ગોદા ગમારા, વિરાજ ગમારા, રોહિત નારણ ગમારા, નિલેશ ગમારા અને અભય ટોળીયા નામના શખ્સનું નામ આપતાં એરપોર્ટ પોલીસે રાયોટીંગ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તે બે ભાઈઓ છે. જેમાં નાનો ભાઈ હાર્દિક છે. ગઈ તા.5 ના સાંજના આશરે 5 વાગ્યાની આસપાસ તે ઘરે હતો ત્યારે નાના ભાઈ હાર્દિકે વાત કરેલ કે, હું ગ્રીન પ્લાય પાસે બાઈક લઈને જતો ત્યારે અનિલએ મને રોકેલ અને વાહન ધીમું ચલાવવા બાબતે ઝઘડો કરી બોલાચાલી કરેલ છે, તેમ વાત કરતા તુરંત જ આ અનિલને ફોન કરી સમજાવતા તે ફોનમાં ઝઘડો કરવા લાગેલ હતો.
બાદ તા.6 ના સાંજના આશરે સાત વાગ્યાની આસપાસ યુવક અને તેના કાકા મખાભાઈ બંને ગ્રીન પ્લાય ખાતે કામે હતા ત્યારે અનિલ ગમારાના કૌટુંબિક ભાઈ રોહિત ગમરા ફોનમાં થયેલ ઝઘડા બાબતે બોલાવેલ પણ યુવક અને કાકા ત્યાં ગયેલ નહીં અને ગ્રીનપ્લાયની અંદર જતા રહેલ હતા. તેઓની પાછળ પાછળ રોહિત ગમારા, વિરાજ ગમારા અને અભય ટોળીયા પ્લાસ્ટિકના ધોકા સાથે ઘસી આવેલ અને કાકા-ભત્રીજા સાથે ઝપાઝપી કરી નીચે પછાડી દીધેલ હતાં. તેટલી વારમાં રોહિત ગમારા, નિલેશ ગમારા, અનિલ ગમારા હાથમાં સ્ટીલના પાઈપ લઈ આવી ગયેલ હતા.
જે દરમિયાન રોહિત ગમારા અને નિલેશ ગમારાએ કાકા-ભત્રીજાને આ સ્ટીલના પાઇપ વડે જેમ ફાવે તેમ માર મારવા લાગેલ હતા. બાદ વીરાજ ગમારા ક્યાંકથી પ્લાસ્ટિક નો પાઈપ મેળવી કાકા મખાભાઇને માર મારવા લાગેલ અને ગાળો દેવા લાગેલ હતા બાદમાં લોકો ભેગા થઈ જતા આરોપી ત્યાંથી જતા રહેલા હતા.જે બાદ બંને ઇજાગ્રસ્તને પ્રથમ કુવાડવા અને બાદમાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડેલ હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી એરપોર્ટ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ આદરી હતી.
