ચાંદીપુરા વાઈરસથી બે બાળકોના મોતથી તંત્ર એલર્ટ, 24×7 તૈયાર રહેવા હોસ્પિટલોને આદેશ

ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે હવે ચાંદીપુરા વાયરસને લઈને પણ આરોગ્ય તંત્ર હાઈ એલર્ટ પર આવી ગયું છે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ચાંદીપુરા વાયરસથી બે બાળકોના…

ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે હવે ચાંદીપુરા વાયરસને લઈને પણ આરોગ્ય તંત્ર હાઈ એલર્ટ પર આવી ગયું છે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ચાંદીપુરા વાયરસથી બે બાળકોના મોતની પુષ્ટિ બાદ રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે તકેદારીના પગલાં શરૂૂ કર્યા છે. ગાંધીનગરમાં આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં વરસાદી સ્થિતિ, આરોગ્ય સેવાઓની તૈયારી અને વાયરસ સામેની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં રાજ્યની તમામ 108 એમ્બ્યુલન્સ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC)માં જરૂૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા તેમજ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને 24 કલાક સેવા માટે તૈયાર રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. જ્યાં દવાઓની જરૂૂર પડશે ત્યાં તાત્કાલિક પુરવઠો પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગે ખાસ કરીને રેડ એલર્ટ ધરાવતા જિલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં આરોગ્ય તંત્રને વધુ સતર્ક રહેવા સૂચના આપી છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલ કોઈ વ્યાપક ચિંતાજનક સ્થિતિ નથી, પરંતુ આગોતરી તૈયારીના ભાગરૂૂપે તમામ જિલ્લાઓમાં આરોગ્ય વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે.

ગોધરા તાલુકાના વીંઝોલ અને જીતપુરા ગામમાં બે બાળકોના મોત બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ’સેન્ડ ફ્લાય’ જોવા મળતાં દવાનો સઘન છંટકાવ, ઘર-ઘર આરોગ્ય સર્વે અને સ્ક્રીનિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂૂ કરવામાં આવી છે. ગોધરા અને વડોદરા મેડિકલ કોલેજની વિશેષ ટીમો પણ અસરગ્રસ્ત ગામોમાં પહોંચી કામગીરી કરી રહી છે.

આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું કે વર્ષ 2024માં જ્યાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા તે વિસ્તારોમાં પણ આગોતરા સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે અને તમામ આરોગ્ય કેન્દ્રોમાં જરૂૂરી દવાઓ તેમજ જંતુનાશક પાવડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે લોકોને અપીલ કરી છે કે બાળકોમાં તાવ, ઉલ્ટી, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. સાથે જ ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી, કાચા મકાનોની તિરાડો પૂરવી અને બાળકોને માખી તથા મચ્છરના સંપર્કથી સુરક્ષિત રાખવા જેવી સાવચેતી રાખવા પણ અનુરોધ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *